જાન દરમિયાન એકત્ર થતો ફાળો કુતરાઓ, પક્ષીઓ અને ગાયોના ઘાસચારા માટે વપરાય છેમોરબી: રંગોત્સવના પર્વ ધુળેટીની આખાય દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે મોરબીમાં એક અનોખી અને પ્રાચીન પરંપરા આજે પણ જીવંત જોવા મળી છે. મોરબીમાં હોળી પ્રગટાવ્યા બાદ બીજા દિવસે ‘શામજી બાપા’ અને ‘વેણી મા’ (હોલિકા) ના લગ્ન પ્રસંગ નિમિત્તે ભવ્ય જાન કાઢવામાં આવે છે. છેલ્લા સાત પેઢીથી ચાલી આવતી આ પરંપરામાં આજે પણ યુવા પેઢી તેટલા જ ઉત્સાહથી જોડાય છે.શું છે આ પરંપરા પાછળનું ધાર્મિક મહત્વ?પૌરાણિક કથા મુજબ, અસત્ય પર સત્યના વિજયના પ્રતીક રૂપે હોલિકા દહન કરવામાં આવે છે. પરંતુ લોકવાયકા મુજબ હોલિકાના આત્માની સદગતિ માટે અને સામાજિક જીવનમાં કોઈ વિઘ્ન ન આવે તે હેતુથી મોરબીમાં શામજી બાપાની જાન કાઢીને હોલિકા સાથે તેમના લગ્ન કરાવવાની પરંપરા છે. આ પ્રસંગે વાજતે-ગાજતે નીકળેલી જાનમાં લોકો અબીલ-ગુલાલની છોળો ઉડાડે છે અને ફટાણા તેમજ ભજન-કીર્તનની રમઝટ બોલાવે છે.15 થી વધુ વાડીઓમાં ભ્રમણ અને સામાજિક સેવાશામજી બાપાની આ જાન મોરબીની વિવિધ વાડીઓ જેવી કે ભોલની વાડી, રંગાણીની વાડી, માંગણીની વાડી, મઘરની વાડી, શિયારની વાડી, જેપુરીયાની વાડી, કુચરની વાડી, બાવરાની વાડી, કપોરીની વાડી, અદાણીની વાડી તેમજ કૃષ્ણા પાર્ક અને કૈલાશ પાર્ક જેવા વિસ્તારોમાં ફરે છે.આ ઉત્સવ માત્ર આનંદ-પ્રમોદ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની સાથે સામાજિક સેવાનો ઉમદા હેતુ પણ જોડાયેલો છે. આ જાન દરમિયાન એકત્ર થતો અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાનો ફાળો અબોલ જીવો માટે વાપરવામાં આવે છે. જેમાં કુતરાઓ માટે લાડુ અને ખોરાક, પક્ષીઓ માટે ચણ અને ગાયો માટે ઘાસચારો લેવામાં આવે છે.આમ, મોરબીની આ પરંપરા ધાર્મિક આસ્થાની સાથે જીવદયાનો સંદેશ પણ પાઠવે છે. સવારથી શરૂ થતો આ કાર્યક્રમ બપોરે 3 થી 4 વાગ્યા સુધી ચાલે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે.#Morbi #MorbiUpdate #Holi2026 #Tradition #ShyamjiBapaNiJaan #Festival #Gujarat #Calture #Jivdaya