હોળીના પર્વ નિમિત્તે છેલ્લી કલાકો સુધી બજારમાં ભરપુર ખરીદી જામી : રંગો-પિચકારીઓની ધૂમ ખરીદીમોરબી : મોરબી શહેર - જિલ્લામાં આજે રાત્રીના ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું છે. લોકોએ હોળીની પ્રદીક્ષણા કરીને નાળિયેર,ખજૂર અને ધાણી હોમી પોતાના ભીતરમાંથી આસુરી શક્તિનું દહન કરવાની પ્રાર્થના સાથે સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે. બીજીતરફ રંગોના પર્વએ બજારમાં છેલ્લી ઘડી સુધી પિચકારી, કલર, ઘાણી, ખજૂર સહિતની ખરીદી ચાલુ રહેતા બજારમાં રંગોની રંગત જોવા મળી રહી છે. જો કે, ધુળેટીને લઈ મતમતાંતર હોય લોકો મંગળ - બુધ રંગોના પર્વ ધુળેટીની મિત્રો પરિવારજનો સાથે ઉજવણી કરશે.હોળીના પર્વે મોરબી શહેરમાં સો - ઓરડી, રામ ચોક, લખધીરવાસ ચોક, વાવડી રોડ, પંચાસર રોડ, હાઉસિંગ બોર્ડ, અયોધ્યા પુરી ચોક, રવાપર, શનાળા સહિતના વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અને ચોકે - ચોકે પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી છે. લોકો હોળીની પ્રદીક્ષણા કરીને નાળિયેર, ખજૂર અને ધાણી હોમી પોતાના ભીતરમાંથી આસુરી શક્તિનું દહન કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. બીજીતરફ છેલ્લી ઘડી સુધી બજારોમાં રંગબેરંગી પિચકારી, કલર, ધાણી, ખજૂર, પતાસાની ધૂમ ખરીદીનો માહોલ જામ્યો છે.હોલિકા દહન બાદ ધુળેટીને લઈ અલગ અલગ મતો હોય મોરબીમાં કેટલાક લોકો કાલે મંગળવારે તો કેટલાક લોકો બુધવારે ધુળેટી ઉજવશે. ધુળેટીએ શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં શેરીએ ગલીએ વિવિધ રંગોની બોછાર ઉડશે. નાનાથી માંડીને મોટેરાઓ પોતાના પરિવાર, સ્નેહીજનો, સગા અને મિત્રો સાથે મનભરીને રંગોત્સવ મનાવશે. ધુળેટી પર્વને લઈને કલેકટર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જાહેરમાં કલર ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ખાસ કરીને ધુળેટીમાં રંગ ઉડાડવાના બહાને આવારા તત્વો છાકટા બનતા હોય છે અને જાહેર માર્ગો પર આવતા જતા લોકોને ધૂમ બાઇક ઉપર આ શખ્સો કલર ઉડાડીને પજવણી કરતા હોય, તેમની સામે કડક કાર્યવાહી કરવા સમગ્ર જિલ્લા પોલીસ સજ્જ બની છે. શહેર તથા જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સતત જાહેર માર્ગો પર પેટ્રોલીંગ કરી શાંતિ પૂર્વક તહેવારની ઉજવણી થાય તે માટે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે.