અકિલા સાંધ્ય દૈનિકના તંત્રી કિરિટકાકાએ કથા શ્રવણ કર્યુ ગામજનો દ્વારા મીઠો આવકાર, આજે કથાની પૂર્ણાહુતિટંકારા : ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે શ્રી રામદેવપીરની જગ્યા અને કાળુરામ બાપુના આશ્રમ ખાતે ચાલી રહેલી 'શ્રી રામદેવ રામાયણ માનસ કથા'ની આજે ધર્મમય વાતાવરણમાં પૂર્ણાહુતિ થશે. મહંત રવીરામબાપુના સાનિધ્યમાં આયોજિત આ જ્ઞાનયજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.મોરબી રામધૂન આશ્રમના બાળ વિદુષી રત્નેશ્વરીજી ગુરૂ ભાવેશ્વરીજીના વ્યાસપીઠ પરથી સંગીતમય શૈલીમાં રામદેવ રામાયણ કથાનું ભાવવાહી વર્ણન કર્યું હતું. કથા દરમિયાન શિવ-પાર્વતી સંવાદ, અજમલજીને ત્યાં રામદેવજીનું પ્રાગટ્ય, લીલુડો ઘોડો, સિકંદર લોદીનું નમવું, સગુણાબેનની કંકોત્રી અને રામદેવજીની સમાધિ જેવા પ્રસંગોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ગઈ કાલે 'સવરા મંડપ'નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કથાના ભાગરૂપે ડાલીબાઈના પરિવાર તરફથી ભાવભર્યું સામૈયું યોજાયું હતું. ટંકારા અયોધ્યાપુરી સોસાયટીમાં હસુભાઈ રાઠોડના નિવાસસ્થાનેથી વાજતે-ગાજતે આ સામૈયામાં ગામના લોકો હોંશે હોંશે જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ જય બાબારીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આજે કથાનો અંતિમ દિવસ હોય સાંજે વિશેષ રીતે ધર્મ પાવન પ્રસંગ ઉજવાશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે રાજકોટના 'અકિલા' દૈનિકના તંત્રી કિરીટભાઈ ગણાત્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગામની એકતા, ગૌશાળા ધર્મ સ્થાન પર વિશે જાણકાર કર્યા હતા કથા મંડપમાં વ્યાસપીઠ અને મહંત રવીરામબાપુ દ્વારા તેમને શાલ ઓઢાડીને અને ટ્રસ્ટના પ્રમુખ દિગુભા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ તકે પ્રવિણસિંહ ઝાલા (રાષ્ટ્રીય સંયોજક, રાજપૂત કરણી સેના) રાજદીપસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા (ઝાલાવાડ સંશોધન મંડળ), ધમભા ઝાલા (શકત શનાળા) સહિતના આગેવાનો ગણમાન્ય ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગામના ભૂદેવો અનુઅદા જાની અને દિલીપઅદા યાજ્ઞિકનું પણ આદરપૂર્વક અભિવાદન કરવામાં આવ્યું હતું. બહારથી પધારેલા આમંત્રિત મહેમાનો અને ધર્મપ્રેમી જનતાએ કથાકાર અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા મેઘપર ઝાલાના ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.