મોરબી: આગામી ૦૩ માર્ચના રોજ હોળી તથા ૦૪ માર્ચના રોજ ધૂળેટીના તહેવારને અનુલક્ષીને મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા એક જાહેરનામું બહાર પાડી જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા સહિતના કૃત્યો પર પ્રતિબંધ ફરમાવ્યો છે.આ જાહેરનામા મુજબ, મોરબી જિલ્લાના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં તા. ૦૩-૦૩-૨૦૨૬ થી તા. ૦૪-૦૩-૨૦૨૬ સુધી આ નિયમોની અમલવારી રહેશે. આ દિવસો દરમિયાન કોઈપણ વ્યક્તિઓને જાહેર રસ્તાઓ ઉપર કોરો રંગ (પાવડર), રંગ મિશ્રિત પાણી, રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગા, કાદવ, કેમિકલ યુક્ત રંગો અથવા તૈલી પદાર્થ કે પ્રવાહીઓ રાહદારીઓ, વાહન ચાલકો કે વાહનો ઉપર ફેંકવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે.વધુમાં, રંગ છાંટવા માટેના સાધનો લઈ જાહેર રસ્તાઓ ઉપર દોડવા કે હાથમાં રાખવા, કોઈને કે પોતાને ઈજા થાય તેવી પ્રવૃત્તિ કરવા, તેમજ અન્ય કોઈ કોમની લાગણી દુભાય તેવું વર્તન કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાપાત્ર ઠરશે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiNews #Holi #Dhuleti #FestivalGuidelines #MorbiPolice #GujaratNews