મોરબી : ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક તણાવ અને યુદ્ધની પરિસ્થિતિને પગલે વિશ્વભરના બજારોમાં ફાળકો પડ્યો છે, ત્યારે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક હબ ગણાતા મોરબીના ઉદ્યોગ પર તેની શું ગંભીર અસરો થશે તેની ચર્ચાઓ તેજ બની છે. આ વૈશ્વિક કટોકટી મામલે સિરામિક એસોસિએશનના હોદ્દેદારો અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે મોરબી અપડેટએ ખાસ વાતચીત કરતા ઉદ્યોગની વર્તમાન વાસ્તવિક સ્થિતિ અને ભવિષ્યની ઘેરી ચિંતાઓ અંગેનું સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું છે.મુખ્ય ખતરો: ઓઇલ અને ગેસની સપ્લાય ચેનઉદ્યોગ માટે અત્યારે સૌથી મોટી ચિંતાનો વિષય ઓઇલ અને ગેસની સપ્લાય ચેન છે. નિલેશ જેતપરિયાએ વિગતો આપતા જણાવ્યું કે, ઈરાન અને દુબઈના અખાત વચ્ચે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' આવેલું છે, જે વૈશ્વિક વેપાર માટે અત્યંત સંવેદનશીલ રૂટ છે. અહીંથી જ મોટાભાગના ગેસ અને ઓઇલના ટેન્કરો પસાર થાય છે. ઈરાને આ મહત્વપૂર્ણ રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. જેના કારણે કતાર, કુવૈત અને દુબઈ જેવા ગલ્ફ દેશોથી આવતો ઓઇલ અને ગેસનો સપ્લાય ગંભીર રીતે ખોરવાઈ શકે છે, કારણ કે આ દેશો માટે નિકાસનો આ એકમાત્ર મુખ્ય રસ્તો છે. ભારત પોતાની કુલ જરૂરિયાતના 70 થી 75 ટકા પેટ્રોલિયમ પેદાશોની આયાત આ જ વિસ્તારમાંથી કરે છે, જે હવે અટકી પડવાની ભીતિ છે.પ્રોડક્શન પર શું અસર થઈ શકે?મોરબીનો સિરામિક ઉદ્યોગ સંપૂર્ણપણે ગેસ પર નિર્ભર છે. જો 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' લાંબો સમય બંધ રહે અને ઓઇલ-ગેસની સપ્લાય ચેન ડિસ્ટર્બ થાય, તો તેની સીધી અને નકારાત્મક અસર સિરામિકના ઉત્પાદન પર પડશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સાઉદી અરેબિયામાં પ્રોપેન ગેસના ટર્મિનલમાં થયેલા બ્લાસ્ટને કારણે સપ્લાય ચેનમાં અગાઉથી જ વિક્ષેપ પડેલો છે. જોકે, રાહતની વાત એ છે કે વિકલ્પ તરીકે ઉદ્યોગકારો પાસે ગુજરાત ગેસની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ વૈશ્વિક સ્તરે અછત સર્જાતા તેની કિંમતો પર કાબૂ રાખવો મુશ્કેલ બનશે.હાલમાં એક્સપોર્ટ પર કોઈ સીધી અસર નહીંનિલેશ જેતપરિયાના જણાવ્યા અનુસાર, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેની તંગદિલીની હાલમાં મોરબીના એક્સપોર્ટ પર કોઈ તાત્કાલિક સીધી અસર જોવા મળી નથી. ઈઝરાયેલમાં સિરામિકનો માલ અત્યારે રાબેતા મુજબ જઈ રહ્યો છે અને ત્યાંના વેપારીઓ વર્ષોથી આવી યુદ્ધ જેવી સ્થિતિથી ટેવાયેલા હોવાથી ઓર્ડર કેન્સલ થયા નથી. બીજી તરફ, ઈરાન પર અમેરિકાના આકરા પ્રતિબંધો હોવાને કારણે ત્યાં ડોલરમાં વ્યવહારો થતા નથી, જેના પરિણામે ઈરાનમાં તો મોરબીનું એક્સપોર્ટ પહેલેથી જ નહિવત જેવું છે.ગેસની સપ્લાય ખોરવાઈ જશે તો ઉદ્યોગને ભારે અસર થશેસિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, 'આપણે ઈઝરાયેલમાં મોટા પ્રમાણમાં ટાઇલ્સની નિકાસ કરીએ છીએ, પરંતુ જો યુદ્ધ લાંબુ ચાલશે તો ટ્રાન્સપોર્ટેશન અને શિપિંગના પ્રશ્નો ઉભા થશે જેનાથી નિકાસને માઠી અસર થશે.' વધુમાં તેમણે ઉમેર્યું કે ઈરાનથી થતી ગેસ અને પેટ્રોલિયમની આયાત અટકી જવાથી ગલ્ફ દેશો સાથેનો સંપર્ક તૂટ્યો છે. સપ્લાય લાઈન ખોરવાઈ જવી એ ઉદ્યોગ માટે સૌથી મોટો ફટકો સાબિત થઈ શકે છે.ગેસના ભાવમાં વધારો આવવાની ભીતિસિરામિક એસોસિએશનના પ્રમુખ સંદીપ કુંડારીયાએ જણાવ્યું કે, 'કોઈપણ ટાઇલ્સના પ્રોડક્શન કોસ્ટમાં 30 ટકા જેટલી મોટી ભૂમિકા ગેસની હોય છે. આ યુદ્ધના કારણે ઈરાન તરફથી આવતી સપ્લાય બંધ થતા બજારમાં ગેસની અછત સર્જાશે. જો પરિસ્થિતિમાં ઝડપથી સુધારો નહીં થાય, તો ગેસના ભાવમાં તોતિંગ વધારો આવવાની પૂરેપૂરી શક્યતા છે. ગેસ મોંઘો થવાને લીધે સિરામિક પ્રોડક્ટ્સનું કોસ્ટિંગ ઊંચું જશે, જે અંતે મોરબીના ઉદ્યોગને વૈશ્વિક સ્પર્ધામાં ટકવા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.'કંપની પાસે હાલ 3 દિવસ જેટલો જ પ્રોપેન ગેસનો જથ્થોસિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઇ બોપલીયાએ જણાવ્યું કે હાલ કંપની પાસે અંદાજે ત્રણ દિવસ જેટલો પ્રોપેન ગેસનો જથ્થો છે. બીજો ગેસનો જથ્થો ઓન ધ વે છે. હવે આ જથ્થો આવે છે ત્યારે સરકાર બેઝિક જરૂરિયાત માટે જથ્થો રિઝર્વ રાખવા જેવા નિર્ણય પણ લઈ શકે છે. આમ યુદ્ધમાં ગેસની સપ્લાયને થનારી અસર ઉદ્યોગો માટે ચિંતાજનક છે. #Morbi #MorbiUpdate #MorbiCeramic #CeramicIndustry #IsraelIranWar #EnergyCrisis #ExportImpact #BusinessNews #GujaratNews #NileshJetpariya #SandeepKundariya #ManojArvadiya