મોરબી : હળવદ તાલુકાના ચુંપણી ગામમાં નજીવી બાબતે થયેલ હત્યાના બનાવમાં મોરબીની બીજા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો જાહેર કરી આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.શુ હતો સમગ્ર બનાવ ?ફરિયાદી ભરતભાઈ રામાભાઇ ઓળકીયાની ફરિયાદ મુજબ, ગત તા. ૨૬/૦૩/૨૦૨૪ ના રોજ સાંજના સમયે આ બનાવ બન્યો હતો. બનાવના ચારેક દિવસ પહેલા આરોપી ગણેશભાઈ વાલજીભાઈ ઓળકીયા અને મરણજનાર રામાભાઇ તથા તેમના પત્ની વાલીબેન અલગ-અલગ મોટરસાયકલ લઈને દ્વારકા દર્શન કરવા ગયા હતા. આ સમયે આરોપી ગણેશભાઈ પાછળ રહી જતા, મરણજનારે તેમનો સંગાથ ન કર્યો હોવાનું મનદુઃખ રાખીને આરોપીએ ઝઘડો કર્યો હતો. ત્યારબાદ આરોપીએ મરણજનારને પોતાની વાડીના શેઢે ચાલવાની ના પાડી હતી. આ નજીવી બાબતનો ખાર રાખીને આરોપી ગણેશભાઈએ ચુંપણી ગામના ઝાંપા પાસે રામાભાઇ પર છરી વડે હુમલો કર્યો હતો. આરોપીએ રામાભાઇને છાતીના ભાગે, પેટના ભાગે અને ડાબી બાજુના પડખામાં છરીના જીવલેણ ઘા માર્યા હતા, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. વધુમાં, આરોપીએ વાલીબેનને પણ છરી વડે જમણા હાથની હથેળીમાં ઈજા પહોંચાડી હતી. આ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ તુલભશંકર વ્યાસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.કોર્ટનો ચુકાદો:આ કેસ મોરબીની બીજા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં (સેસન્સ કેસ નં: 73/2024) ચાલી જતા, મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી. દ્વારા દલીલો કરવામાં આવી હતી. કોર્ટમાં ૨૨ મૌખિક પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. ૪૨ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. તમામ પુરાવાઓ ધ્યાને લઈને કોર્ટે આરોપી ગણેશભાઈ વાલજીભાઈ ઓળકીયાને આઈ.પી.સી. કલમ ૩૦૨ મુજબના ગુન્હામાં આજીવન કેદની સજા અને રૂ. ૫૦૦૦/- નો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ ૨ માસની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. આઈ.પી.સી. કલમ ૩૨૪ ના ગુન્હામાં ૧ વર્ષની કેદ અને રૂ. ૧૦૦૦/- નો દંડ ફટકાર્યો છે. આ દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની સજાનો હુકમ ફરમાવેલ છે.#MorbiUpdate #MorbiNews #Halvad #Chumpani #CrimeNews #MorbiCourt #Justice #LifeImprisonment