ટંકારા : ટંકારા તાલુકાના મેઘપર (ઝાલા) ગામે ચાલી રહેલી રામદેવ રામાયણ માનસ કથામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વિશેષ હાજરી આપી હતી. કાળુરામ બાપુના આશ્રમ, રામદેવપીરની જગ્યા ખાતે યોજાઈ રહેલા આ ભક્તિ મહોત્સવમાં શંકરસિંહ વાઘેલાનું રાજપૂત સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.મહંત રવીરામબાપુની પાવન ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલા (સાદુરકા), પ્રદેશ અધ્યક્ષ વી. એસ. જાડેજા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ આર. કે. ઝાલા, ટંકારા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ દિગુભા ઝાલા, ગાંધીનગર યુનિવર્સિટીના પ્રોફેસર કિશોરસિંહ સોલંકી, ગાંધીધામ તાલુકા ભાજપ ઉપપ્રમુખ હરદેવસિંહ જાડેજા, રાજપૂત કરણી સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ દોલુભા એમ. જાડેજા, જામનગર જિલ્લા પ્રમુખ મુળરાજસિંહ ઝાલા અને કાર્યકારી અધ્યક્ષ ગિરુભા ઝાલા સહિત મેઘપર ઝાલા ગામના હજારો ભક્તો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા.કથાસ્થળે ભવ્ય યાત્રા બાદ પોતાના ઉદ્બોધનમાં શંકરસિંહ વાઘેલાએ સમાજના યુવાનોને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સમાજના દીકરા-દીકરીઓએ શિક્ષણની જ્યોત જગાવીને આઈએએસ (IAS) અને આઈપીએસ (IPS) અધિકારી બનવા તરફ આગળ વધવું જોઈએ. વધુમાં તેમણે આવનારી ચૂંટણીઓમાં રાજપૂત સમાજનું રાજકીય પ્રભુત્વ વધારવા, વધુ બેઠકો મેળવવા અને દરેક સમાજને ઉપયોગી બની કલ્યાણના કાર્યો કરવા પર ભાર મૂક્યો હતો.'રાજકારણ ક્ષત્રિયોની નસોમાં નદીના પાણીની જેમ વહે છે' તેવો હુંકાર કરી તેમણે રામાપીરના મહિમાનું વર્ણન કર્યું હતું, જેનાથી હાજર યુવાનો અને સમાજના આગેવાનોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, ગૌશાળાના લાભાર્થે અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર માટે આયોજિત આ કથા ગત ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થઈ છે અને આગામી ૨ માર્ચ, ૨૦૨૬ સુધી ચાલશે. આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમને લઈને સ્થાનિક રાજપૂત સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ છે.#Morbi #MorbiUpdate #Tankara #MeghparJhala #ShankersinhVaghela #RajputSamaj #MorbiNews #GujaratNews