મોરબી: મોરબીમાં જમીનની લે-વેચ કરતા તાજમામદભાઈ ગત 19 તારીખથી લાપતા હતા. આ મામલે 20 તારીખે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જોકે, આજ દિન સુધી તેમની કોઈ ભાળ ન મળતા પરિવાર અને સમાજના લોકો ચિંતિત હતા. દરમિયાન આજે તેમનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.મોરબી મિયાણા સમાજના પ્રમુખ અકબર મોવર સાંગણભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે તેમને ચોક્કસ માહિતી મળી હતી કે તાજમામદભાઈનો મૃતદેહ કારખાનામાં અંદર દાટી દેવામાં આવ્યો છે. આ માહિતીના આધારે તેઓ પોલીસ પીઆઇ અને અન્ય અધિકારીઓ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં જેસીબીની મદદથી ખોદકામ કરતા અર્ધબળેલી અને સળગાવી દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.અકબર મોવરે હત્યા પાછળનું પ્રાથમિક કારણ જણાવતા કહ્યું હતું કે, મૃતક ખેતીવાડીની જમીનની લે-વેચ અને દલાલીનું કામ કરતા હતા. આરોપીઓ પાસેથી કોઈ મોટું પેમેન્ટ લેવાનું બાકી હતું. આ મામલે તેમની હત્યા કરી દેવામાં આવી હોવાની પૂરેપૂરી આશંકા છે. આરોપીઓએ પુરાવા નાશ કરવાના ઈરાદે લાશને સળગાવીને કારખાનાના પટાંગણમાં દાટી દીધી હતી.હાલ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે, મિયાણા સમાજે સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી આ હત્યાના ગુનેગારોને કડકમાં કડક સજા ન મળે અને પોલીસ દ્વારા તેઓનું જાહેરમાં સરઘસ ન કાઢવામાં આવે, ત્યાં સુધી સમાજ અને પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં. પોલીસ દ્વારા હાલ આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #CrimeNews #MurderCase #MianaSamaj #MorbiPolice #GujaratNews #CrimeUpdate