મોરબી: મોરબી શહેરના સર્વાંગી અને સુવ્યવસ્થિત વિકાસ માટે મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ અને મોરબી મહાનગરપાલિકા દ્વારા મુસદ્દારૂપ વિકાસ યોજના (Development Plan) તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વિકાસ યોજના અંતર્ગત શહેરના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને માર્ગોનું આયોજન, ટ્રાફિક નિયંત્રણ વ્યવસ્થા, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, જાહેર સુવિધાઓ તેમજ રહેણાંક, વાણિજ્ય અને ઔદ્યોગિક હેતુ માટે વિકાસશીલ વિસ્તારોના આયોજન જેવા મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે.આ મુસદ્દારૂપ વિકાસ યોજના તૈયાર કરવાની પ્રક્રિયામાં નિયુક્ત કરાયેલી એજન્સી સાથે પાલિકાતંત્ર દ્વારા વિગતવાર ચર્ચા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગત તા. ૨૪/૦૨/૨૦૨૬ ના રોજ નિયુક્ત થયેલ એજન્સી સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના ભવિષ્યના વિકાસ અંગેના આયોજન પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આગામી તબક્કામાં વિવિધ સ્ટેકહોલ્ડર્સ સાથે પરામર્શ કરવા માટે એક વિશેષ બેઠક યોજવામાં આવશે. મોરબી શહેરના ઉદ્યોગ, વેપાર, રિયલ એસ્ટેટ, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ એસોસિયેશનોના પ્રમુખો તથા પ્રતિનિધિઓને આ બેઠકમાં ખાસ આમંત્રિત કરવામાં આવશે.આ બેઠક દરમિયાન ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન અંગે ઉપસ્થિત પ્રતિનિધિઓ પાસેથી જરૂરી સૂચનો અને અભિપ્રાયો મેળવવામાં આવશે. પ્રાપ્ત થયેલા સૂચનોના આધારે નજીકના ભવિષ્યમાં ખૂબ ઝડપથી આ મુસદ્દારૂપ વિકાસ યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ પ્લાન તૈયાર થયા બાદ મોરબી શહેરના તમામ વિસ્તારોમાં વિકાસ પરવાનગી સંબધિત મંજૂરીઓ આ મુસદ્દારૂપ વિકાસ યોજનાને અનુરૂપ જ શરૂ કરવામાં આવશે, જેથી મોરબી શહેરનો યોગ્ય અને સુઆયોજિત વિકાસ થઇ શકે.#Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #DevelopmentPlan #TownPlanning #MorbiNews #MorbiCity #Gujarat