મોરબી : મોરબીમાં હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ન ફસાય અને સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકે તે માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના અનુરોધથી મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનની 12 ટ્રીપ માંથી 6 ટ્રીપ 27 ફેબ્રુઆરીથી 12 માર્ચ 2026 સુધી રદ કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીમાં મચ્છુ નદી પર આવેલા જૂના પાડાપુલનું સમારકામ તેમજ નટરાજ ફાટક પાસે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી વચ્ચે ડેમુ ટ્રેનની અવરજવરના કારણે ફાટકો વારંવાર બંધ થતી હોવાથી શહેરમાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાતી હતી. આ સ્થિતિમાં બોર્ડના વિદ્યાર્થીઓને ટ્રાફિકની હાલાકીનો સામનો ન કરવો પડે અને વાહનવ્યવહાર સુચારૂ રીતે જળવાઈ રહે તે હેતુથી કલેક્ટર દ્વારા રેલવે પ્રશાસનને ડેમુ ટ્રેનની ટ્રીપ ઘટાડવા રજૂઆત કરવામાં આવી હતી.જનહિતને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા 27 ફેબ્રુઆરીથી 12 માર્ચ 2026 સુધી વાંકાનેર અને મોરબી વચ્ચે દોડતી 6 ડેમુ ટ્રેનોનું સંચાલન અસ્થાયી રૂપે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રદ કરાયેલી ટ્રેનોની સમયસારણી નીચે મુજબ છે:- મોરબીથી સવારે 10:25 કલાકે ઉપડતી ડેમુ (ટ્રેન નંબર 79454)- વાંકાનેરથી બપોરે 12:00 કલાકે ઉપડતી ડેમુ (ટ્રેન નંબર 79453)- મોરબીથી બપોરે 1:00 કલાકે ઉપડતી ડેમુ (ટ્રેન નંબર 79444)- વાંકાનેરથી સાંજે 5:00 કલાકે ઉપડતી ડેમુ (ટ્રેન નંબર 79445)- મોરબીથી સાંજે 6:10 કલાકે ઉપડતી ડેમુ (ટ્રેન નંબર 79446)- વાંકાનેરથી સાંજે 7:00 કલાકે ઉપડતી ડેમુ (ટ્રેન નંબર 79447)રેલવે પ્રશાસને મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. મુસાફરો ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ માહિતી ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પરથી મેળવી શકે છે.જોકે, અત્રે નોંધનીય છે કે આ ડેમુ ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરવાની જગ્યાએ જો તમામ ડેમુ ટ્રેનનું લાસ્ટ સ્ટોપેજ નજરબાગ રેલવે સ્ટેશન સુધી કરવામાં આવ્યું હોત, તો પણ ટ્રાફિકની આ સમસ્યા હલ થઈ શકે તેમ હતી અને દૈનિક મુસાફરોએ રઝળપાટ ન ભોગવવો પડત.#Morbi #MorbiUpdate #Wankaner #DemuTrain #RailwayUpdate #BoardExam2026 #TrafficSolution #MorbiNews #NazarbaghStation