મોરબી જિલ્લા ભાજપના સંગઠનમાં યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતા આગામી દિવસોમાં મહાસંમેલન યોજવાની તૈયારીવાંકાનેર: તાજેતરમાં જાહેર થયેલ મોરબી જિલ્લા ભાજપના હોદેદારોની વરણીને લઈને ચુવાળીયા કોળી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે વાંકાનેરના ધમલપર ગામમાં આવેલ ગેલ માતાજીના મંદિરે સમાજના શહેર-તાલુકાના આગેવાનોની એક મહત્વની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં આગેવાનોએ જણાવ્યું હતું કે, ચુવાળીયા કોળી સમાજ હંમેશા ભાજપને વફાદાર રહ્યો છે. મોરબી જિલ્લામાં સમાજની ભારે બહુમતી છે અને ખાસ કરીને વાંકાનેર વિધાનસભામાં અંદાજે 55000 થી 60000 જેટલું મતદાન ધરાવે છે. આમ છતાં, જ્યારે પ્રતિનિધિત્વની વાત આવે ત્યારે સમાજ સાથે અન્યાય થતો હોવાનો સુર ઉઠ્યો છે. તાજેતરની જિલ્લા ભાજપની વરણીમાં પણ સમાજની ઉપેક્ષા થઈ હોવાનું આગેવાનોએ ઉમેર્યું હતું.સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉઠી માંગબેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની ઢુવા અને પંચાસિયા સીટ તેમજ હશનપર, જેતપરડા, ઢુવા, ચિત્રાખડા અને માટેલ તાલુકા પંચાયતની સીટ પર ચુવાળીયા કોળી સમાજ નિર્ણાયક બહુમતી ધરાવે છે. આ સીટો પર સમાજને ટિકિટ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં પણ યોગ્ય પ્રતિનિધિત્વ અને તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ચુવાળીયા કોળી સમાજની નિયુક્તિ કરવાની માંગણી કરવામાં આવી છે.આગામી રણનીતિ અને મહાસંમેલનજો આગામી દિવસોમાં સમાજની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો તાલુકાના ગામેગામ પ્રવાસ કરી અન્યાય અંગે જાગૃતિ લાવવામાં આવશે. આ મુદ્દે રણનીતિ ઘડવા માટે ટૂંક સમયમાં ચુવાળીયા કોળી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજવાની પણ તૈયારીઓ દર્શાવી છે.બેઠકમાં ઉપસ્થિત આગેવાનોઆ બેઠકમાં ભુવા પરસોતમભાઈ બાવરવા, ચુવાળીયા કોળી સમાજના પ્રમુખ જયંતિભાઈ મદ્રેસાણીયા, મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ પ્રભુભાઈ વીંજવાડિયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ દેવજીભાઈ કુણપરા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય બચુભાઈ કુણપરા અને અરવિંદભાઈ અબાસાણીયા, પૂર્વ નગરપાલિકા ચેરમેન મયુર ઠાકોર, પાડધરા પૂર્વ સરપંચ રાજનભાઈ ડૈણીયા, સમથેરવા સરપંચ વિજયભાઈ ઉકેડિયા, હશનપર સરપંચ રમેશભાઈ સારલા, પલાંસ સરપંચ હેમંતભાઈ કુણપરા, ખાનપર સરપંચ જીવરાજભાઇ સારલા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ધમલપર પૂર્વ સરપંચ સવજીભાઈ અબાસાણીયા, જાલી પૂર્વ સરપંચ પ્રવિણભાઇ સરવાડીયા, વરડૂસર પૂર્વ સરપંચ મનસુખભાઈ સેટાણીયા, ધમલપર પૂર્વ ઉપ સરપંચ ધનજીભાઈ દેત્રોજા, ભવાનભાઈ દેત્રોજા, જકસીભાઈ કુનતિયાં, મહેશભાઈ અઘારા, લઘુભાઈ ધમલપર, મહેશભાઈ પલસાડી, જગદીશભાઈ સુરેલા અને મંગાભાઈ ઉઘરેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.#Wankaner #Morbi #BJP #ChuvaliyaKoliSamaj #Politics #GujaratElection #MorbiUpdate