ડીવાયએસપીની અપીલને જબરદસ્ત પ્રતિસાદ: વ્યાજખોરો અને ભૂમાફિયાઓ સહિતના અસામાજિક તત્વોનો ભોગ બનેલા પીડિતો ડીવાયએસપી કચેરીએ રજૂઆત માટે ઉમટી પડ્યામોરબી : મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા અને અસામાજિક તત્વોથી ત્રસ્ત સામાન્ય નાગરિકોને ભયમુક્ત કરવા પોલીસ એક્શન મોડમાં આવી છે. બે દિવસ પહેલા ડીવાયએસપી દ્વારા મીડિયાના માધ્યમથી પીડિતોને નિર્ભય બનીને આગળ આવવાની અપીલ કરવામાં આવી હતી. આ અપીલની જબરદસ્ત અસર જોવા મળી છે. આજે પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા અને અન્ય આગેવાનોની આગેવાનીમાં વ્યાજખોરો, જમીન માફિયાઓ, હનીટ્રેપ અને લુખ્ખા તત્વોનો ત્રાસ સહન કરી રહેલા અનેક પરિવારો મોરબી ડીવાયએસપી કચેરી ખાતે ન્યાયની આશ સાથે ઉમટી પડ્યા હતા અને રજૂઆતોનો મારો ચલાવ્યો હતો.કયા કયા મુદ્દે થઈ ગંભીર રજૂઆતો?પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારાએ જણાવ્યું હતું કે, ડીવાયએસપીની અપીલ બાદ મોટા પ્રમાણમાં પીડિત પરિવારોને સાથે રાખીને આજે પોલીસ અધિકારીઓને ૭ થી ૮ જેટલી અલગ-અલગ ગંભીર બાબતોની રજૂઆત કરવામાં આવી છે. જેમાં મોરબી પંથકમાં ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓનો ચોંકાવનારો ચિતાર રજૂ થયો છે:- વ્યાજખોરીનો આતંક: વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરી સામાન્ય લોકોની કાર, પ્લોટ અને ખેતરો પચાવી પાડવામાં આવ્યા હોવાની અનેક ફરિયાદો સામે આવી.- વેપારીઓ સાથે છેતરપિંડી: શહેરમાં એક એવી ટોળકી સક્રિય છે જે વેપારીઓ સાથે મોટા પાયે ફ્રોડ અને છેતરપિંડી કરી રહી છે.- આપઘાત અને હનીટ્રેપ: ત્રાસથી કંટાળીને બે જેટલા યુવાનોએ આપઘાત કરી લીધો હોવાના કિસ્સામાં પરિવારોએ ન્યાયની માંગ કરી. આ ઉપરાંત હનીટ્રેપ, લુખ્ખાગીરી, દાદાગીરી અને ગેરકાયદેસર કબજાખોરીના કિસ્સાઓ પણ રજૂ થયા.- રોમિયોગીરી અને સાયબર ક્રાઈમ: મોરબીના અમુક ચોક્કસ રસ્તાઓ અને સ્થળો પર થતી રોમિયોગીરી ડામવા અને સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવા પોલીસે કડક હાથે કામ લેવું જોઈએ તેવી રજૂઆત કરાઈ.માતાની સારવાર માટે લીધેલા અઢી લાખના બદલામાં ૧૧ કરોડની જમીન પચાવી પાડી!રજૂઆત કરવા આવેલા પીડિતોમાં એક વૃદ્ધનો કિસ્સો ભારે આઘાતજનક હતો. આ પીડિત વૃદ્ધે જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા તેમની માતા બીમાર હોવાથી સારવાર માટે તેમણે કિશોર મારફતે અક્ષય ઘેટીયા પાસેથી અઢી લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ રૂપિયા પરત ચૂકવી દીધા હોવા છતાં તેમની ૧૧ કરોડ રૂપિયાની કિંમતની જમીનનો સોદાખત કરાવી લેવાયો છે અને જમીન હજુ સુધી પાછી આપવામાં આવી નથી. અગાઉ પોલીસ મથકે અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી નહોતી થઈ, પરંતુ આજે ડીવાયએસપીએ તેમને સાંભળીને પોલીસ ચોપડે વિધિવત ફરિયાદ નોંધી ન્યાય અપાવવાની ખાતરી આપી છે.'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો' - પોલીસની સ્પષ્ટ ચેતવણીડીવાયએસપી જે.એમ.આલએ મનોજ પનારા, અન્ય આગેવાનો અને તમામ પીડિતોની રજૂઆતો ખૂબ જ હકારાત્મક અભિગમ સાથે સાંભળી હતી. તેમણે ખાતરી આપી છે કે જે લોકોની ફરિયાદો બાકી છે તે તમામની એફઆઈઆર નોંધી લેવામાં આવશે અને પીડિતોને ન્યાય અપાશે. પોલીસ અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં અસામાજિક તત્વોને કડક મેસેજ આપ્યો છે કે 'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો'.કોઈપણ નેતાની ભલામણ નહિ ચલાવી લેવાયમનોજ પનારા સહિતના આગેવાનોએ પોલીસ તંત્ર પાસે સ્પષ્ટ માંગ કરી છે કે કોઈપણ નેતા, રાજકીય પક્ષના આગેવાન કે અધિકારીની ભલામણ રાખ્યા વિના ગુનેગારો સામે કાર્યવાહી થવી જોઈએ. કોઈ પણ પક્ષના નેતાઓએ આવા તત્વોને બચાવવા જોઈએ નહિ. કોઈપણ જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વિના ગુનેગાર હોય તેની સામે કાયદાનો સકંજો કસાવો જ જોઈએ.હજુ પણ જે પીડિતો બાકી છે તેમના માટે ખાસ અપીલઆજે ૭ થી ૮ લોકો જ કચેરીએ પહોંચી શક્યા હતા, પરંતુ જે લોકો કોઈ ડર કે અન્ય કારણસર આજે ડીવાયએસપી કચેરીએ નથી આવી શક્યા, તેમને ડીવાયએસપી દ્વારા મેસેજ આપવામાં આવ્યો છે કે તેઓ કોઈપણ ડર વગર સમય લઈને પોતાના લાગતા વળગતા એ ડિવિઝન કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો રૂબરૂ સંપર્ક કરી શકે છે. તમામની ફરિયાદો સાંભળવામાં આવશે અને ન્યાય મળશે.#MorbiUpdate #Morbi #ManojPanara #PatidarYuvaSevaSangh #MorbiPolice #CrimeNews #GujaratPolice #LoanSharks #LandMafia #MorbiCity #JusticeForVictims #ActionAgainstCrime #DYSPMorbi #MorbiNews