'વન વીક, વન રોડ' અંતર્ગત સતત બીજી વાર આ વિસ્તારમાં મહાપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા અને ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે 'વન વીક, વન રોડ' ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે સતત બીજા સપ્તાહે ત્રાજપર ચોકડીથી જૂના ઘુંટુ રોડ પર દબાણ હટાવવાની કામગીરી સઘન બનાવવામાં આવી હતી.મળતી માહિતી મુજબ, ગત સપ્તાહે આ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ અમુક દબાણો બાકી રહી ગયા હતા. ગઈકાલે મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ વિસ્તારમાં દબાણકર્તાઓને નોટિસ અને સૂચના આપવામાં આવી હતી. જેને પગલે અનેક લોકોએ પોતાનો સામાન જાતે જ હટાવી લીધો હતો અને દુકાનોનો કબજો છોડી દીધો હતો. જોકે, દુકાનો અને કેબિનોના સ્ટ્રક્ચર યથાવત રહેતા આજે સવારથી જ મહાનગરપાલિકાની બે જેસીબી (JCB) મશીન સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી.મોરબી મહાનગરપાલિકાના કમિશનરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત સપ્તાહે સાંજે ૬ વાગ્યા સુધી કામગીરી ચાલી હતી, પરંતુ કેટલીક દુકાનો રહી ગઈ હતી. રોડની લાઈનમાં આવતા આશરે ૧૭ જેટલી દુકાનો, કાચા-પાકા મકાનો અને છાપરાઓ આજે દૂર કરવામાં આવી રહ્યા છે. રોડની લંબાઈમાં આવતા તમામ દબાણો હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવી રહ્યો છે.વધુમાં કમિશનરે જણાવ્યું હતું કે, ત્રાજપર ચોકડી પાસે જ્યાં દબાણો દૂર કરવામાં આવ્યા છે, ત્યાં રસ્તો પહોળો કરી વાહનો સરળતાથી પસાર થઈ શકે તે માટે મેટલ નાખવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આગામી દિવસોમાં આ સપ્તાહમાં જ ત્યાં સરફેસિંગ (ડામર/પેવર) પણ કરવામાં આવશે જેથી ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે હલ થઈ શકે.#Morbi #MorbiUpdate #MorbiNews #Demolition #MorbiMunicipalCorporation #OneWeekOneRoad #Encroachment #GujaratNews #TrajparChokdi