નાની કેનાલ રોડ પર આવેલ કોમન સર્વિસ સેન્ટરમાં ઘુસી વીડિયો ઉતારી બ્લેક મેઇલિંગ કર્યાની પોલીસ ફરિયાદમોરબી : હાલમાં સોશિયલ મીડિયમાં આડેધડ બિલાડીના ટોપની માફક ન્યૂઝના નામે ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલોનો રાફડો ફાટ્યો છે. જેમાં મોટાભાગે કોઈ પણ જાતના નિયમો વગર આડેધડ સમાચારના નામે વિડિઓ અને વિગતો સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યાં છે. તાજેતરમાં આવા એક સોશિયલ મીડિયા પેજ ચલાવતા શખ્સ સામે સગીર બાળકોનો વીડિયો વાયરલ કરવા મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પત્રકાર તરીકે ઓખળ આપી નાની કેનાલ રોડ પર આધારકાર્ડ અપડેશન સેન્ટરમાં ઘુસી તમે ગેરકાનૂની કામ કરો છો, એક લાખ આપવા પડશે કહી, 5 હજારની લૂંટનો પ્રયાસ કરી લાફા મારવાની એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ સામે ફરિયાદ નોંધાઇ છે.પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ મુજબ મોરબીના નાની કેનાલ રોડ પર આવેલ વર્ણીન્દ્ર કન્સલ્ટન્સી નામના કોમન સર્વિસ સેન્ટરના ભાગીદાર વિશાલ મહેશભાઈ પાંચાણી રહે.અરુણોદયનગર, વેજીટેબલ રોડ, મોરબી વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિશાલ સેજપાલ, ગૌતમ મકવાણા સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.23ના રોજ સાંજના સમયે આરોપીઓ તેમના કોમન સર્વિસ સેન્ટરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી આધારકાર્ડ અપડેશનનું કામ કરતા પાર્થ અઘારાને તમે ખોટું કરો છો કહી ધમકાવવા લાગતા પાર્થે આ બાબતની જાણ ફરિયાદી વિશાલભાઈ પાંચાણીને કરતા વિશાલભાઈ ઓફિસે દોડી આવ્યા હતા. આ સમયે આરોપી વિશાલ સેજપાલે પોતે મોરબી ટાઈમ્સનો પત્રકાર હોવાની ઓળખ આપી ધમકાવવાનું શરૂ કરી ઓફીસ બહાર લઈ ગયો હતો જ્યાં ધમકાવી તમે ગેરકાયદેસર કામ કરો છો તેથી એક લાખ આપવા પડશે કહી લાફા ઝીકી દીધા હતા.વધુમાં આટલેથી જ નહીં અટકી આરોપી વિશાલ સેજપાલે સર્વિસ સેન્ટરમાં ઘુસી સરકારી લેપટોપના સિરિયલ નંબર સાથેનો વીડિયો ઉતર્યા બાદ ફરિયાદીના ખિસ્સામાં રહેલા પાંચ હજાર પડાવી લેવા લૂંટની કોશિશ પણ કરી હતી. જો કે, ફરિયાદી તાબે ન થતા આરોપીઓએ સોશિયલ મીડિયામાં વીડિયો પણ પ્રસારિત કરી નાખ્યોનું ફરિયાદમાં જણાવ્યું છે. વિશાલ પાંચાણીની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.