હાઈવે, કેનાલ અને ગેસ લાઈન બાદ હવે વીજ લાઈન નીકળતા ખેતી બચાવવા ઉગ્ર માંગમોરબી : મોરબી તાલુકાના બહાદુરગઢ ગામેથી પસાર થતી નવી વીજ લાઈનને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે બહાદુરગઢના ખેડૂતોએ એકઠા થઈને આ મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને તંત્રને રજૂઆત કરી હતી.બહાદુરગઢ ગ્રામ પંચાયત દ્વારા લેવાયેલા ઠરાવ મુજબ, ગામની સીમમાં હાલમાં ચાર હેવી વીજ લાઈન, પાંચ નર્મદાની કેનાલ તથા એક ગેસની લાઈન આવેલી છે. આ ઉપરાંત નેશનલ હાઈવે પણ ગામમાંથી પસાર થાય છે. ખેડૂતોનું કહેવું છે કે આટલી બધી લાઈનોને કારણે ગામની 70 ટકા ખેતીલાયક જમીનનો નાશ થઈ ચૂક્યો છે. હવે નવી કેપીએસ-3, એચવીડીસી ટ્રાન્સમિશન લિમિટેડ કંપની દ્વારા ખેતરોમાં વીજ લાઈન નાખવા માટેનું ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે, જેનો ખેડૂતો સખત વિરોધ કરી રહ્યા છે.ખેડૂત અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ખાનગી કંપનીઓ ખેડૂતોની મંજૂરી વગર ખેતરોમાં ખૂંટ ખોડી જાય છે. જો આ નવી લાઈન નાખવામાં આવશે તો બાકી વધેલી 30 ટકા જમીન પણ ખેતીલાયક રહેશે નહીં. ખેડૂતોએ માંગ કરી છે કે આ રૂટ અન્યત્ર ખસેડવામાં આવે અથવા તો તેને નામંજૂર કરવામાં આવે. જો ખેતરમાં થાંભલા નાખવા જ હોય તો ખેડૂતોને યોગ્ય વળતર અને ભાડું મળવું જોઈએ, અન્યથા તેઓ પોતાની જમીનમાં આ કામગીરી થવા દેશે નહીં. આ બાબતે બહાદુરગઢ ગ્રામ પંચાયતે પણ ઠરાવ પસાર કરીને ખેડૂતોના સમર્થનમાં આ કામગીરી રોકવા અથવા સ્થળાંતર કરવા રજૂઆત કરી છે.#Morbi #Bahadurgarh #FarmersProtest #PowerLine #MorbiUpdate #FarmerIssues #GujaratNews #LandAcquisition