મોરબી : મોરબી જિલ્લાના શિક્ષકોમાં રહેલી એકતા, સહકાર અને ખેલદિલીની ભાવના ઉજાગર કરવાના શુભ આશયથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાજેતરમાં શિક્ષકો માટે એક શાનદાર ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઇનલ મેચમાં 'વાંકાનેર વરીયર્સ' ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયન ટ્રોફી પર કબ્જો જમાવ્યો હતો.આ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ ગત તા. ૨૧/૦૨/૨૦૨૬ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન સમારોહમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન જે. પારેધી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એન. મહેતાના વરદ હસ્તે ટુર્નામેન્ટને ખુલ્લી મુકવામાં આવી હતી.આ તકે અતિથિ વિશેષ તરીકે મોરબી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કિરણબેન જયેશભાઈ રાઠોડ, નવા નાગડાવાસના સુખાભાઈ ડાંગર, મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડના ઓનર સુરેશભાઈ ડાંગર, ગુજરાત રાજ્ય પ્રા.શિ. સંઘના ઉપપ્રમુખ વિરમભાઈ દેસાઈ, મોરબી જિલ્લા પ્રા.શિ. સંઘના પૂર્વ પ્રમુખો ઘનશ્યામભાઈ એસ. દેથરીયા અને મણિલાલ વી. સરડવા ઉપરાંત તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, કેળવણી નિરીક્ષકો અને બી.આર.સી. કો-ઓર્ડિનેટરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ ૬ ટીમો વચ્ચે જામ્યો હતો મુકાબલોઆ ડે-ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લાભરમાંથી કુલ ૬ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં (૧) બેંગ બેંગ ઇલેવન-ટંકારા (૨) વાંકાનેર વરીયર્સ (૩) સુપર ઇલેવન-મોરબી (૪) માસ્તર ઇલેવન-માળીયા (૫) બ્લેક બર્ડ ઇલેવન-મોરબી અને (૬) હળવદ હરિકેન્સે મેદાનમાં ઉતરીને પોતાના કૌશલ્યનો પરચો બતાવ્યો હતો. જેમાંથી ખરાખરીના જંગ બાદ 'માસ્તર ઇલેવન' અને 'વાંકાનેર વરીયર્સ' ટીમ ફાઇનલમાં પહોંચી હતી. ફાઇનલ મેચમાં વાંકાનેર વરીયર્સે બાજી મારીને વિજેતાનો તાજ પહેર્યો હતો.સમાપન સમારોહ અને સન્માન કાર્યક્રમટુર્નામેન્ટનો સમાપન કાર્યક્રમ તા. ૨૨/૦૨/૨૦૨૬ ના રોજ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય પ્રા.શિ. સંઘના ઉપપ્રમુખ વિરમભાઈ દેસાઈ, મોરબી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશભાઈ બી. ગાંભવા અને હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ધનજીભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓ, રનર્સ અપ અને વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી તેમની મહેનતને બિરદાવવામાં આવી હતી.શિક્ષકોનું વિશેષ સન્માન કરાયુંઆ તકે એક વિશેષ સન્માન સમારોહ પણ યોજાયો હતો. જેમાં નવરચિત મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારે જિલ્લા પંચાયતની શિક્ષણ શાખામાં વહીવટી કામગીરીની પાયાની શરૂઆત કરી તેને ગૌરવપૂર્ણ રીતે નિભાવનાર શિક્ષક મિત્રોને સન્માનપત્ર અર્પણ કરાયા હતા. આ ઉપરાંત, તાજેતરમાં જામનગર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની ૩૩મી સ્વ. બળવંતરાય મહેતા સીઝન બોલ ટુર્નામેન્ટમાં રાજ્યની ૩૩ ટીમો વચ્ચે સેમી ફાઈનલ સુધી પહોંચી, ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી મોરબીનું ગૌરવ વધારનાર મોરબી જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમના દરેક ખેલાડીને પણ સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમના કેપ્ટન લલીતભાઈ ગોહેલ, પ્રશાંતભાઈ દલસાણીયા, મયંકભાઇ મેરજા, સાગરભાઇ વરસડા, તુષારભાઇ બોપલિયા, તેમજ કોમેન્ટેટર તરીકે પ્રદીપભાઈ કુવાડીયા અને કરશનભાઈ ખીમાણીયા સહિત મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, તાલુકા ઘટક સંઘના મહામંત્રીઓ અને પ્રમુખોએ ભારે જહેમત ઉઠાવી હતી તેવું મોરબી જિલ્લા પ્રા.શિ. સંઘના પ્રમુખ દિનેશભાઈ આર. હુંબલ અને મહામંત્રી પ્રફુલભાઇ એસ. નાયકપરાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.