માતા-પિતા સામે જ બેઠા હતા, તેની નજર સામે જ કારનું વ્હીલ લાડકવાયી દીકરી ઉપર ફરી વળ્યું : બાળકીનો ભાઈ ત્યાંથી હટી જતા તેનો આબાદ બચાવમોરબી: મોરબીના આલાપ રોડ પર આવેલા પટેલનગરમાં એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ ઘટના સામે આવી છે, જેમાં ઘરની શેરીમાં રમતી અઢી વર્ષની માસૂમ બાળકી ઉપર એક કાર ફરી વળતા બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.શુ બની હતી ઘટના ?ગત રવિવાર, તારીખ ૨૨/૦૨/૨૦૨૬ ના રોજ સાંજના સવા છ વાગ્યાના અરસામાં વાસુદેવભાઈ તેમના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બેઠા હતા અને તેમની અઢી વર્ષની દીકરી ધનશ્રી શેરીમાં રમતી હતી. આ સમયે અચાનક મારૂતી સુઝુકી કંપનીની બલેનો કાર (રજી. નં. GJ-36-AJ-9315) ના ચાલક નિરવભાઈ મહાદેવભાઈ ભોરણીયા (રહે. જુના દેવળીયા, તા. હળવદ) એ પોતાની કાર લઈને નીકળ્યા હતા. તેઓએ બાળકીને અડફેટે લીધી હતી. કારના આગળ અને પાછળના બંને ટાયર માસૂમ ધનશ્રીના શરીર પર ફરી વળતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કાર ચાલક નિરવભાઈએ કાર ઉભી રાખી હતી અને પોતાનું નામ જણાવ્યું હતું. ત્યારબાદ ફરિયાદી પિતા, પડોશી વિપુલભાઈ સાંણજા અને કાર ચાલક નિરવભાઈ બાળકીને સારવાર માટે નિરવભાઈની જ કારમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ ગયા હતા. થોડીવારમાં બાળકી બેભાન થઈ જતા ફરજ પરના ડોક્ટરે તપાસીને તેને મૃત જાહેર કરી હતી.પોલીસ કાર્યવાહી:આ બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસે હોસ્પિટલ પહોંચીને બાળકીના મૃતદેહનું મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ (પોસ્ટમોર્ટમ) કરાવ્યું હતું. હાલમાં વાસુદેવભાઈ વડસોલાની ફરિયાદના આધારે પોલીસે કાર ચાલક નિરવભાઈ ભોરણીયા સામે બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૨૫(બી), ૧૦૬(૧) તથા એમ.વી. એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ પીએસઆઈ નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.અકસ્માત વિશે લોકોએ શુ કહ્યું ?સ્થાનિકોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જનાર નિરવભાઈ ભોરણીયા પોતાના સાળાને ત્યાં આવ્યા હતા. તેઓ ફોન ઉપર વાત કરતા કરતા કાર ચલાવી રહ્યા હતા. બાળકી હડફેટે આવી ત્યારે ત્યાં હાજર લોકોએ બુમો પાડી હતી પણ કારના કાચ બંધ હોવાથી તેમને સંભળાયું પણ ન હતું. આ અકસ્માત વેળાએ આ બાળકી તેના ભાઈ સાથે રમી રહી હતી. જો કે તેનો ભાઈ ત્યાંથી હટી ગયો હતો એટલે તેનો આબાદ બચાવ થયો હતો. કારના વ્હીલ બાળકી પર ફરી વળતા તેના ફેફસા ફાટી ગયા હતા અને હાડકું ફેફસામાં અંદર ઘુસી ગયુ હતું. જેના કારણે બાળકીનો જીવ ગયો હતો.