મોરબી: શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત વચ્ચે રાજ્યભરમાં હવામાનમાં અચાનક ફેરફારો નોંધાઈ રહ્યા છે, ત્યારે આજે ૨૩ ફેબ્રુઆરીએ મોરબી પંથકમાં પણ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સવારથી જ આકાશમાં વાદળો છવાયા હતા અને સવારે ૧૦ વાગ્યા બાદ અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ છે. વાતાવરણમાં અચાનક આવેલા આ પલટાને કારણે ધૂપ-છાંવ જેવો માહોલ સર્જાયો હતો.હવામાન વિભાગની પ્રાપ્ત થતી માહિતી મુજબ, હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન એમ ત્રણ સિસ્ટમ એકસાથે સક્રિય થવાના કારણે ઉત્તર ભારત અને અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના પરિણામે મોરબી સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ (માવઠું) જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત અને નર્મદા સહિતના વિસ્તારોમાં પણ આજે સવારથી માવઠાની અસર જોવા મળી છે.આ અણધાર્યા હવામાનના કારણે જગતના તાતની ચિંતામાં ભારે વધારો થયો છે. મોરબી જિલ્લાના ખેડૂતોના જણાવ્યા અનુસાર, હાલમાં રવિ સિઝનના ઘઉં, ચણા, જીરું અને એરંડા જેવા પાકો તૈયાર થવાની અથવા કાપણીની અણી પર છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ કે સામાન્ય વરસાદ પણ ઉભા પાક માટે વ્યાપક નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો વરસાદ પડશે તો ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.હવામાન નિષ્ણાતો દ્વારા આગામી સમયમાં તાપમાનમાં ઉતાર-ચઢાવ અને મિશ્ર ઋતુનો અનુભવ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોને ખુલ્લામાં રહેલો ખેતપેદાશનો પાક સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા ઢાંકીને રાખવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #WeatherChange #UnseasonalRain #GujaratWeather #Mavthu #FarmersConcern #MorbiNews