વાંકાનેર: વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલા નવાપરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટરના પાણી ઉભરાવવાની સમસ્યાને પગલે વોર્ડ નંબર 2 ના સદસ્ય અને મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જાગૃતિબેન ચેતનભાઈ ચૌહાણ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.શું છે સમગ્ર વિગત?વાંકાનેરના નવાપરા (રામકૃષ્ણનગર) પંચાસર રોડ પર આવેલી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (સસ્તા અનાજની દુકાન) પાસે ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. રજૂઆતમાં જણાવાયું છે કે આ વિસ્તારમાં અત્યંત ગંદકી ફેલાઈ છે અને ઉભરાતા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. અનાજ લેવા આવતા ગ્રાહકો અને સ્થાનિક રહીશોને આ દુર્ગંધ અને ગંદકી વચ્ચેથી પસાર થવું પડે છે. ત્યારે જાગૃતિબેન ચૌહાણે ચીફ ઓફિસરને પત્ર લખી માંગ કરી છે કે, જનહિતમાં આ વિસ્તારની ગંદકી તાત્કાલિક સાફ કરવામાં આવે અને ગટરના પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ લાવવામાં આવે.