ગ્રાહકોને વહેલી તકે વીજબિલ ભરવા અનુરોધ: કનેકશન કપાયા બાદ રિકનેક્શન ચાર્જ પણ ચૂકવવો પડશે તેમજ 24 કલાક સુધી વીજળી વગર રહેવાની શક્યતા મોરબી: મોરબી જિલ્લામાં વીજ બિલની બાકી વસૂલાત માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) હવે કડક વલણ અપનાવી રહી છે. લાંબા સમયથી વીજ બિલ ન ભરનારા ગ્રાહકો સામે લાલ આંખ કરતા પીજીવીસીએલ દ્વારા આગામી 25મી તારીખે સમગ્ર મોરબી સર્કલમાં એક સાથે મેગા ડિસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી પીજીવીસીએલના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર ડી. આર. ઘાડીયાએ આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબી સર્કલમાં કુલ 3,90,000 LT (લો ટેન્શન) અને 2276 HT (હાઈ ટેન્શન) ગ્રાહકો નોંધાયેલા છે. જેમાંથી આશરે 75,432 LT ગ્રાહકો એવા છે જેમનું બિલ 1000 થી વધુ છે અને તેમણે હજુ સુધી પોતાનું વીજ બિલ ભરપાઈ કર્યું નથી. આ ગ્રાહકો પાસેથી પીજીવીસીએલએ અંદાજે 38.5 કરોડ જેવી માતબર રકમ વસૂલવાની બાકી નીકળે છે.25મીએ 210 ટીમો મેદાને ઉતરશેબાકી લેણાંની વસૂલાત માટે આગામી 25 તારીખ, બુધવારના રોજ મોરબી સર્કલ હેઠળના તમામ 20 સબ ડિવિઝનોમાં મેગા ડ્રાઈવ યોજાશે. આ કામગીરી માટે 210 જેટલી ટીમો તૈયાર કરવામાં આવી છે, જે બાકીદારોના ઘરે કે એકમો પર જઈને વીજ કનેક્શન કાપવાની કામગીરી કરશે.ગ્રાહકોને અપીલ: અંધારપટથી બચવા તાત્કાલિક બિલ ભરોડી. આર. ઘાડીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, 'અમે છેલ્લા એક અઠવાડિયાથી ગ્રાહકોને ફોન અને અન્ય માધ્યમોથી બિલ ભરવા માટે જાણ કરી રહ્યા છીએ. જો 25મીએ વીજ કનેક્શન કપાઈ જશે તો ગ્રાહકોએ રિકનેક્શન ચાર્જ પણ ચૂકવવો પડશે અને 24 કલાક સુધી વીજળી વગર રહેવું પડી શકે છે. આથી, ગેરવહીવટ અને અસુવિધાથી બચવા માટે ગ્રાહકો ઓનલાઈન અથવા ઓફિસ પર જઈને તાત્કાલિક બિલ ભરી દે તે હિતાવહ છે.' હવે 25મીની આ મેગા ડ્રાઈવથી બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.આવક અને બાકી લેણાંની સ્થિતિ:મોરબી સર્કલમાં દર મહિને સરેરાશ 700 કરોડ રૂપિયાના વીજ બિલ બને છે. ઓક્ટોબર મહિનામાં બાકી રકમ 97.66 કરોડ હતી, જે નવેમ્બરમાં ઘટીને 89 કરોડ, ડિસેમ્બરમાં 74 કરોડ અને જાન્યુઆરીમાં 54 કરોડ સુધી પહોંચી છે. અત્યાર સુધીમાં આશરે 1500 જેટલા વીજ જોડાણો કાપવામાં આવ્યા છે અને 43.45 કરોડની વસૂલાત કરવામાં આવી છે.કુલ બાકી લેણાં (જાન્યુઆરી અંતિત) - ₹ 54 કરોડ LT ગ્રાહકો (75,400 કનેક્શન) - ₹ 38.5 કરોડ હળવદ નગરપાલિકા (સરકારી લેણું) - ₹ 8.16 કરોડ માળિયા નગરપાલિકા (સરકારી લેણું) - ₹ 92 લાખ ટંકારા નગરપાલિકા (સરકારી લેણું) - ₹ 22 લાખ સૌથી વધુ બાકી કનેક્શન વાંકાનેર અને હળવદ તાલુકામાં છે. મોરબી અને ટંકારા તાલુકામાં બાકીદારોની સંખ્યા ઓછી છે. HT (High Tension) કનેક્શનમાં બિલ ન ભરાય તો 3 દિવસમાં જ જોડાણ કાપવાની પ્રક્રિયા કરવામાં આવે છે.