સગીરાનું અપહરણ કરી, ગોંધી રાખી દુષ્કર્મ ગુજારવાના કેસમાં મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટનો ધાક બેસાડતો ચુકાદોમોરબી: મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટે વર્ષ ૨૦૧૬માં વાંકાનેર પંથકમાં બનેલા એક અરેરાટીભર્યા કેસમાં દાખલરૂપ ચુકાદો આપ્યો છે. સગીરાનું અપહરણ કરી, વાડીમાં ખાડો ગાળી તેમાં ગોંધી રાખીને વારંવાર દુષ્કર્મ આચરનાર મુખ્ય આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, જ્યારે તેને મદદગારી કરનાર અન્ય 6 આરોપીઓને પણ કસૂરવાર ઠેરવી 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.શું હતો સમગ્ર મામલો ?પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. ૧૧-૧૧-૨૦૧૬ ની રાત્રે અઢી વાગ્યાના અરસામાં વાંકાનેર પંથકમાં બનેલી ઘટના મુજબ ૧૫ વર્ષ અને ૪ માસની સગીરા પોતાના ઘરની બહાર શૌચક્રિયા માટે ગઈ હતી. આ સમયે ત્યાં હાજર નરેશ ઉર્ફે મહેશ જયંતીભાઇ સોલંકી અને તેના અન્ય સાગરીતોએ એક સંપ થઈને સગીરાનું મોઢું દબાવી અપહરણ કર્યું હતું અને છકડા રિક્ષામાં બેસાડીને વાડીએ લઈ ગયા હતા. વાડીમાં આ નરાધમોએ શેઢે ખાડો ખોદીને સગીરાને તેમાં ગોંધી દીધી હતી અને ઉપર પતરાં તથા ધૂળ ઢાંકી દીધી હતી. આ ખાડામાં સગીરાને એક મહિનાથી વધુ સમય (તા. ૧૩-૧૨-૨૦૧૬) સુધી ગોંધી રાખવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન મુખ્ય આરોપી નરેશ ઉર્ફે મહેશ જયંતીભાઇ સોલંકીએ સગીરા સાથે બળજબરીથી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, જેના પરિણામે સગીરાને ગર્ભ રહી ગયો હતો. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.કોર્ટની કાર્યવાહી અને ચુકાદો:આ કેસ મોરબીની વિશેષ ન્યાયાધીશ (પોકસો કેસ) અને અધિક સેશન્સ જજ શ્રી કમલ રસીકલાલ પંડ્યા સાહેબની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતાં, સરકારી વકીલ એન.ડી. કારીયાએ સચોટ દલીલો અને પુરાવાઓ રજૂ કર્યા હતા. કોર્ટે તબીબી પુરાવા, ડી.એન.એ. રિપોર્ટ અને ભોગ બનનારની જુબાનીને ગ્રાહ્ય રાખી તમામ પુરાવાઓના આધારે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.આરોપીઓને ફટકારાઈ સજા:● મુખ્ય આરોપી નરેશ ઉર્ફે મહેશ જયંતીભાઇ સોલંકી: ઇ.પી.કો. કલમ ૩૭૬(૨) અને પોકસો એક્ટની કલમ ૩(એ) અને ૪ હેઠળ તકસીરવાન ઠેરવી બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધીની આજીવન સખત કેદ અને રૂ. ૨૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત અપહરણ અને ગોંધી રાખવાની કલમો (૩૬૬, ૩૬૩, ૩૪૩) હેઠળ પણ અલગથી સજા અને દંડ ફટકારાયા છે.● અન્ય ૬ આરોપીઓ: હરેશ જયંતીભાઇ સોલંકી, જયંતીભાઇ મેરૂભાઇ સોલંકી, દેવકરણભાઇ મસાભાઇ સોલંકી, અવચરભાઇ રણછોડભાઇ સોલંકી, ચનાભાઇ રણછોડભાઇ સોલંકી અને કિશોરભાઇ જગદીશભાઇ સોલંકીને અપહરણમાં મદદગારી કરવા બદલ ઇ.પી.કો. કલમ ૩૬૬ અને ૧૧૪ મુજબ ૫ વર્ષની સખત કેદ અને રૂ. ૫,૦૦૦ નો દંડ, તેમજ કલમ ૩૬૩ અને ૧૧૪ મુજબ ૩ વર્ષની સખત કેદ અને ૫,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.● આ કેસના આરોપી નં. ૪ ચતુરભાઇ મેરૂભાઇ સોલંકીનું અવસાન થતાં તેમની સામેનો કેસ એબેટ કરવામાં આવ્યો હતો.પીડિતાને ૪ લાખનું વળતર:કોર્ટે પોતાના ચુકાદામાં ભોગ બનનાર સગીરાને થયેલા શારીરિક અને માનસિક આઘાતને ધ્યાને લઈ 'ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ' હેઠળ રૂ. ૪,૦૦,૦૦૦/- (ચાર લાખ રૂપિયા) નું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. સમાજમાં દાખલો બેસાડતા આ કડક ચુકાદાથી આવા હેવાનિયત ભર્યા કૃત્ય કરતા લોકોમાં કાયદાનો ભય પ્રસ્થાપિત થશે.