મોરબી: ગત તા. ૧૮ ના રોજ મોરબીમાં સામાન્ય ઓવરટેક કરવા જેવી બાબતે સોની વેપારી જીતીનભાઈ રસીકભાઈ સોનીની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ જઘન્ય હત્યાકાંડના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર સૌરાષ્ટ્રમાં પડ્યા છે અને હત્યારાઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે રાજકોટ, વાંકાનેર અને ચોટીલાના સોની સમાજ દ્વારા બંધ પાળીને ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.રાજકોટમાં વિરોધ:રાજકોટના સોની બજારમાં અડધો દિવસ સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. પેલેસ રોડના શો-રૂમ સિવાય મોટાભાગની દુકાનો બંધ રહી હતી.રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશન, સુવર્ણકાર સંઘ અને અમદાવાદ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના આગેવાનોની ઉપસ્થિતિમાં કોઠારીયા નાકા પાસે રામધૂન બોલાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વ્યાપારી અને સામાજિક સંગઠનો દ્વારા રાજ્યના ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહી અને વેપારીઓની સુરક્ષા વધારવાની માંગ કરવામાં આવી છે.ચોટીલામાં વિરોધ:ચોટીલામાં વીશા શ્રીમાળી સોની સમાજ અને નવ નાત વણિક સમાજની આગેવાની હેઠળ શહેરના વેપારીઓએ પોતાનો ધંધો-રોજગાર બંધ રાખીને હત્યાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. ચોટીલાના વેપારીઓ દ્વારા સ્થાનિક મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં આરોપીઓ સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા તેમજ કેસની ઝડપી, પારદર્શક અને તટસ્થ તપાસ કરી પીડિત પરિવારને સંપૂર્ણ ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી છે.વાંકાનેરમાં વિરોધ:મોરબીની ઘટનાના વાંકાનેરમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને તમામ સોની વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર સંપૂર્ણ બંધ રાખીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે વિરોધ નોંધાવ્યા બાદ વાંકાનેરના વેપારીઓ સાંજના સમયે મોરબી ખાતે મૃતક યુવકના બેસણામાં પણ ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #Rajkot #Wankaner #Chotila #SoniSamaj #Protest #CrimeNews #Justice #MorbiUpdate #NewsUpdate #SaurashtraNews #GujaratNews #Bandh