મોરબી : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને મોરબીની રસિકલાલ શેઠ બોયઝ હાઇસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ગઈકાલે ૨૧ ફેબ્રુઆરીના રોજ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. માતૃભાષા સપ્તાહ અંતર્ગત યોજાયેલા ખાસ કવિ સંમેલનમાં જાણીતા કવિઓ દ્વારા માતૃભાષાનું મહિમાગાન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની વિગતો જોઈએ તો, કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવ્યો હતો. આ તકે અતિથિ વિશેષ તરીકે સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઈ મહેતા તેમજ ટ્રસ્ટી દેવાંગભાઈ દોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સંયોજક ડૉ. અતુલ કે. ધ્રુવ દ્વારા મહેમાનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાનો ખાસ ઓડિયો સંદેશ શ્રોતાઓને સંભળાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું સન્માન ગુજરાત સાહિત્ય અકાદમીના ભેટસ્વરૂપ પુસ્તક દ્વારા કરવામાં આવ્યું હતું.કવિ સંમેલનમાં રાજકોટથી પધારેલા કવિ રાકેશ હાંસલીયા અને દિનેશ કાનાણી તથા મોરબીના ડૉ. રામ વારોતરીયાએ પોતાની સ્વરચિત ઉત્તમ ગઝલો અને કાવ્યોનું પઠન કર્યું હતું. ત્રણેય કવિઓની ધારદાર રચનાઓ સાંભળીને ઉપસ્થિત સાહિત્યપ્રેમી શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે હાઈસ્કૂલના આચાર્ય હરજીવનભાઈ ચનિયારા તથા સમગ્ર સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં પ્રા. કે. આર. દંગીએ આભાર વિધિ કરી હતી. આ તકે મોરબીના સાહિત્ય પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.