મોરબી : ગુજરાત ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મોરબીની પી.જી. પટેલ કોલેજ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ ૨૦૨૬ અંતર્ગત તારીખ ૨૧-૦૨-૨૦૨૬ના રોજ એક ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમ સંસ્થાના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા અને જતીનભાઈ આદ્રોજાની પ્રેરણાથી યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમની શરૂઆત મંગલ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થઈ હતી. ત્યારબાદ કૉલેજના આચાર્ય ડૉ. રવિન્દ્ર ભટ્ટ દ્વારા ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત અને પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશેષમાં, કાર્યક્રમના પ્રેરક અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહાનો ઓડિયો શુભેચ્છા સંદેશ સાંભળીને કાર્યક્રમને વિધિવત રીતે આગળ વધારવામાં આવ્યો હતો.આ કવિ સંમેલનમાં પ્રતિષ્ઠિત કવિ રામ વારોતરિયા અને કવિ જનાર્દન દવેએ પોતાની સુંદર રચનાઓ વિશિષ્ટ અભિવ્યક્તિ સાથે રજૂ કરીને શ્રોતાઓને રસાસ્વાદ કરાવ્યો હતો. કવિઓએ પોતાની કાવ્યરચનાઓ દ્વારા માતૃભાષાનું અદભુત મહિમાગાન કર્યું હતું. કાર્યક્રમમાં સંચાલક શ્રીએ પણ પોતાની આગવી શૈલીથી સૌને રસપ્રદ રીતે જોડી રાખ્યા હતા.આ કાર્યક્રમમાં મોરબી નગરમાંથી બહોળી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ઉપસ્થિતિ નોંધાવી હતી. કાર્યક્રમના અંતે વરિષ્ઠ પ્રાધ્યાપક અનિલભાઈ કંસારાએ આભાર દર્શન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજના આચાર્ય રવિન્દ્ર ભટ્ટ, સંયોજક પૂનમ ફેફર તેમજ સમગ્ર સ્ટાફ મેમ્બર્સ અને વિદ્યાર્થીઓનો ખૂબ મોટો ફાળો રહ્યો હતો. આમ, કવિ સંમેલન દ્વારા લોકોમાં માતૃભાષા પ્રત્યે પ્રેમ, આદર અને સંવેદનાને વધુ મજબૂત બનાવવાનો એક સારો અને સરાહનીય પ્રયત્ન કરવામાં આવ્યો હતો.