મોરબી : મોરબી મહાનગરપાલિકાને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તા. 1-1-2025ના રોજ નગરપાલિકા તથા આસ-પાસના વિસ્તારની 9 ગ્રામ પંચાયતને ભેળવીને મોરબી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. મોરબી મહાનગરપાલિકાની રચના થયા બાદ ગાંધીચોક ખાતે આવેલ મુખ્ય ઓફિસ બિલ્ડીંગની કામગીરી પૂર્ણ કરવા માટે વહીવટી અને ટેકનિકલી તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો, જે અનુસંધાને તાજેતરમાં મોરબી મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ કાર્યાલય માટેની કામગીરી પ્રગતિ હેઠળ છે.આ સમગ્ર કાર્ય માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રૂ. 4.42 કરોડના અંદાજિત ખર્ચથી નવો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે, જે કામગીરી હાલ પૂર જોશમાં ચાલી રહી છે, નિર્ધારિત સમય મર્યાદામાં ગુણવત્તા યુક્ત કામગીરી માટે મહાનગરપાલિકાની બિલ્ડીંગ શાખાના નાયબ ઇજનેરના મોનિટરિંગ હેઠળ હાથ ધરવામાં આવી રહ્યું છે. મોરબી શહેરના નાગરિકોને સુવિધા સભર આધુનિક ગાંધીચોક સ્થિત મુખ્ય કચેરીની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર આ કાર્યને ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવનાર છે.નવા કાર્યાલયમાં ઉપલબ્ધ થનાર સુવિધાઓ મોરબી મહાનગરપાલિકાની નિર્માણાધિન મુખ્ય ઓફિસમાં સુચારું વ્યવસ્થાઓ, આધુનિક ફર્નિચર, મોરબી મહાનગરપાલિકાના અંદાજિત 30 જેટલા તમામ વિભાગોનો સમાવેશ થઈ શકે તે પ્રકારના જુદા જુદા વિભાગો માટેની ગોઠવણ, અધિકારીઓ માટેની આધુનિક ઇન્ફરા સ્ટસ્ટ્રક્ચર સાથેની બેઠક વ્યવસ્થા, મીટીંગ હોલ, સ્ટેન્ડિંગ હોલ અને આગામી સમયમાં મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ માટેની જુદી જુદી ચેમ્બર સહિતની વ્યવસ્થાઓની ગોઠવણ બનનાર નવા બિલ્ડિંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે, આ સમગ્ર કામગીરી સમય મર્યાદાની અંદર પૂર્ણ કરવામાં આવનાર છે. સંપૂર્ણ સુવિધા યુક્ત ગાંધી ચોક ખાતે નગરજનોને મોરબી મહાનગરપાલિકાનું નવું કાર્યાલય મળી રહેશે તેમ મોરબી મહાનગરપાલિકાની બિલ્ડીંગ શાખાના નાયબ ઈજનેરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.