આગામી સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપ મજબૂત પરિણામો લાવશે: ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયામોરબી: મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ અને મોરબી જિલ્લા 'કમલમ' કાર્યાલયનો વિધિવત પ્રારંભ આજરોજ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંગે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સંબોધતા કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી હતી.ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લા ભાજપના તમામ નવનિયુક્ત હોદ્દેદારોનું આજે સન્માન કરવામાં આવ્યું છે. તેમને આવકારવા અને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લાભરમાંથી સિનિયર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવનિર્મિત કાર્યાલય અંગે વાત કરતા ઉમેર્યું હતું કે, મોરબી જિલ્લા ભાજપનું આ કાર્યાલય કાર્યકર્તાઓ માટે એક 'મંદિર' સમાન બની રહેશે, જ્યાં તમામ કાર્યકર્તાઓનું સંગઠનાત્મક ઘડતર થશે.આગામી ચૂંટણીઓ અંગે પ્રબળ આત્મવિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, આગામી સમયમાં આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં તમામ કાર્યકર્તાઓ ખભે-ખભો મિલાવીને કામ કરશે અને ભાજપ માટે ખૂબ જ મજબૂત પરિણામો લાવશે તેવો તેમને પૂરેપૂરો વિશ્વાસ છે. સારામાં સારા કાર્યકર્તાઓને આવકારવા માટેનો આ એક અનેરો ઉત્સવ હતો. આ સન્માન સમારોહ અને કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રદેશ સહ કોસાધ્યક્ષ મોહનભાઇ કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, મહિલા મોરચા અગ્રણી દીપિકાબેન સરડવા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયા, પ્રદીપભાઈ વાળા, રણછોડભાઈ દલવાડી, મગનભાઈ વડાવીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં, ધારાસભ્યએ તમામ નવનિયુક્ત હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ઉજ્જવળ ભવિષ્ય અને આગામી ચૂંટણીઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.