મોરબી અપડેટ: ગુજરાતના દરિયાકાંઠેથી થતી ગેરકાયદેસર હેરાફેરીના પ્રયાસોને નિષ્ફળ બનાવતા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને મોટી સફળતા મળી છે. 21 ફેબ્રુઆરીના રોજ દ્વારકા નજીક દરિયામાંથી એક શંકાસ્પદ વિદેશી બોટને ઝડપી પાડવામાં આવી છે, જેમાં કરોડો રૂપિયાનો સિગારેટનો જથ્થો મળી આવ્યો છે.મળતી માહિતી મુજબ, 21 ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જહાજે દ્વારકાથી પશ્ચિમમાં આશરે 115 નોટિકલ માઇલ દૂર ભારતીય જળસીમા (EEZ) માં એક શંકાસ્પદ વિદેશી બોટને આંતરી હતી. આ બોટનું નામ 'અલ મુખ્તાર' હોવાનું સામે આવ્યું છે, જેમાં ચાર ઈરાની ક્રૂ મેમ્બર સવાર હતા.કોસ્ટ ગાર્ડની ટીમે બોટમાં સઘન ચેકિંગ હાથ ધરતા અંદર છુપાવીને રાખવામાં આવેલા વિદેશી બ્રાન્ડની સિગારેટના આશરે 1 લાખ પેકેટ ભરેલા 200 કાર્ટૂન મળી આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં પકડાયેલા આ સિગારેટના જથ્થાની કિંમત અંદાજે 2.5 થી 5 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.હાલમાં આ ઈરાની બોટને વધુ તપાસ માટે અને તમામ સુરક્ષા એજન્સીઓ સાથે મળીને સંયુક્ત પૂછપરછ કરવા માટે પોરબંદર લાવવામાં આવી રહી છે.#MorbiUpdate #IndianCoastGuard #Dwarka #Porbandar #GujaratNews #Smuggling #IranianBoat #AlMukhtar #CigaretteSmuggling #GujaratCoast