ગુજરાતીમાં ભણીને જ પોતે ટોચના પદ ઉપર પહોંચ્યા હોવાનું જણાવી બાળકોને ધો.૮ સુધી ગુજરાતીમાં જ ભણાવવાનો સંદેશ આપતા મોરબી કલેક્ટર અને એસપી મોરબી : આજે 'વિશ્વ માતૃભાષા દિવસ' છે, ત્યારે પોતાના બાળકોને માત્ર અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવાની ઘેલછા રાખતા વાલીઓ માટે જિલ્લાના બે સર્વોચ્ચ અધિકારીઓએ આંખ ઉઘાડનારો સંદેશ આપ્યો છે. જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે પોતાના જીવનના ઉદાહરણો આપીને સ્પષ્ટ કર્યું છે કે, માતૃભાષામાં શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓ જિંદગીની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાછા પડતા નથી. માતૃભાષામાં અભ્યાસ કરવાથી બાળકની સમજણશક્તિનો જે વિકાસ થાય છે, તે ગોખણપટ્ટીથી ક્યારેય થઈ શકતો નથી.જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, મારો ધોરણ ૧ થી ૧૨ સુધીનો સંપૂર્ણ અભ્યાસ ગુજરાતી માધ્યમમાં જ થયો છે. ધોરણ ૧૨ પછી મારે આઈએએસ બનવું હતું એટલે મેં કોલેજમાં અંગ્રેજી માધ્યમ પસંદ કર્યું. શરૂઆતના ૩૦ દિવસ અંગ્રેજી શબ્દભંડોળ સમજવામાં તકલીફ પડી, પણ મહેનતથી બધું શક્ય બન્યું. આજે આપણે ત્યાં પશ્ચિમી સંસ્કૃતિની આંધળી દોટ મૂકાઈ છે અને બાળકોને સીબીએસઈ કે આઈબી બોર્ડમાં ભણાવવાનો ક્રેઝ વધ્યો છે. પરંતુ મારી વાલીઓને સ્પષ્ટ સલાહ છે કે, બાળકને ધોરણ ૭ કે ૮ સુધી તો ફરજિયાત માતૃભાષામાં જ ભણાવવા જોઈએ. પાયો માતૃભાષામાં પાકો થયા બાદ તેઓ પ્રોફેશનલ કોર્સ માટે અંગ્રેજી માધ્યમમાં જાય તો વાંધો નથી. વિશ્વની ટોચની કંપનીઓ જેવી કે ગૂગલ, પેપ્સીકો વગેરેના ભારતીય સીઈઓ પણ પોતાની માતૃભાષા માં જ ભણીને આગળ આવ્યા છે.જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે જણાવ્યું કે, મારું પ્રાથમિક શિક્ષણ વિજાપુરડા ગામમાં અને ત્યારબાદ એમ.એસસી સુધીનો તમામ અભ્યાસ સંપૂર્ણપણે માતૃભાષા ગુજરાતીમાં જ થયો છે. અંગ્રેજી ભાષા મને નથી આવડતી તેવો ભૂતકાળમાં મને કોઈ ડર કે લઘુતાગ્રંથિ ક્યારેય અનુભવાઈ નથી. માતૃભાષાનો વહીવટી કામકાજમાં ઉપયોગ કરવા અંગે તેઓએ જણાવ્યું કે, ગુજરાતીમાં પત્રવ્યવહાર કરતી વખતે વ્યાકરણ અને જોડણીની શુદ્ધતા હોવી ખૂબ જરૂરી છે. નવા આવતા કર્મચારીઓ ઘણીવાર જોડણીમાં બેદરકારી દાખવતા હોય છે. તેમણે યુવાનોને પ્રેરણા આપતા કહ્યું કે, ભાષા કોઈ પણ હોય, તે શીખવા માટે માત્ર એક મહિનાનો સમય પૂરતો છે. મેં જાતે જ યુટ્યુબના માધ્યમથી ઉર્દૂ ભાષા વાંચતા શીખી લીધી છે અને મારી ઈચ્છા હજુ બીજી ૪ જેટલી ભારતીય ભાષાઓ શીખવાની છે.અંગ્રેજીમાં મર્યાદિત શબ્દો, ગુજરાતી ભાષાનો વારસો ઘણો સમૃદ્ધ : કલેક્ટરજિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ ગુજરાતી ભાષાની સમૃદ્ધિ વર્ણવતા અત્યંત સચોટ ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, 'અંગ્રેજી ભાષા કરતા આપણો ગુજરાતી ભાષાનો વારસો અત્યંત સમૃદ્ધ છે. અંગ્રેજીમાં સૂર્ય અને ચંદ્ર માટે માત્ર સન અને મુન શબ્દો છે, જ્યારે આપણી પાસે સૂર્યના ૪૦ અને ચંદ્રના ૧૮ જેટલા અલગ-અલગ નામ છે. પ્રેમ દર્શાવવા માટે અંગ્રેજીમાં માત્ર લવ શબ્દ છે, જ્યારે આપણે ત્યાં માતા-પુત્ર માટે વાત્સલ્ય, ભાઈ-બહેન માટે હેત અને વહાલ જેવા અર્થસભર શબ્દો છે. અંગ્રેજીમાં બધા જ વડીલો માટે અંકલ' કે આન્ટ વપરાય છે, જ્યારે આપણી માતૃભાષામાં કાકા, માસા, ફુઆ, માસી, ફોઈ જેવા શબ્દો સંબંધોમાં નિકટતા અને આત્મીયતા ઊભી કરે છે.'બાળકને 'કાર્બાઇડથી પકવેલી કેરી' ન બનાવો : એસપીએસ.પી. મુકેશકુમાર પટેલે વાલીઓને સીધી વાત કરતા જણાવ્યું હતું કે, 'બાળકો પર વિદેશી ભાષાનું દબાણ લાદવાનો કોઈ અર્થ નથી. બાળક જે ભાષામાં કમ્ફર્ટેબલ હોય, જેમાં તે સહેલાઈથી વાંચી અને લખી શકતું હોય તેમાં જ તેને ભણાવવું જોઈએ. આપણે બાળકોને અંગ્રેજી માટે પ્રેશર આપીને 'કાર્બાઇડથી પકવેલી કેરી' બનાવી રહ્યા છીએ, જે કુદરતી રીતે પાકેલી કેરી જેટલી મીઠી નથી હોતી. કોઈ લેખકે સાચું જ કહ્યું છે કે, તમને જે ભાષામાં સપનાં આવે તે જ તમારી માતૃભાષા. મને આજે પણ ગુજરાતીમાં જ સપનાં આવે છે.'