હત્યાનો બનાવ અત્યંત દુઃખદ : ટપોરીઓને ગોતિ - ગોતિને સાફ કરવા ઉપર રજુઆત કરીશ : ભાજપ પ્રમુખમોરબી : મોરબી શહેરમાં હનીટ્રેપ, છેતરપિંડી, વ્યાજખોરી બાદ હવે સરાજાહેર મારામારી અને હત્યા જેવા ગંભીર બનાવો સામાન્ય બન્યા છે.પોલીસની ધાક ઓસરી હોય તેવી સ્થિતિમાં ગતરાત્રીના સોની યુવાનની કરપીણ હત્યાનો બનાવ બનતા વિપક્ષ તો ઠીક સરાધારી ભાજપ પ્રમુખ પણ ચોંકી ઉઠ્યા છે અને ટપોરી ગેંગને સાફ કરવા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.મોરબીમાં ગુરુવારે રાત્રે સાઈડ કાપવા જેવી નજીવી બાબતમાં સોની વેપારી યુવાનની હત્યાના બનાવ અંગે રાજકીય પક્ષના આગેવાનોએ આકરો મિજાજ બતાવ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાએ જણાવ્યું હતું કે, બનાવ ખૂબ જ દુઃખદ છે.મોરબીમાં હમણાં ટપોરીઓએ માજા મૂકી છે.હું આ ગંભીર બાબતે ઉપર લેખિત જાણ કરી પગલાં લેવા જાણ કરીશ. મોરબી આમ આદમી પાર્ટીના અગ્રણી પંકજ રાણસરિયાએ જણાવ્યું હતું કે, મોરબીમાં ટપોરીઓ વધ્યા છે.પોલીસની ઢીલી નિતિને કારણે આમ જનતા સલામત નથી.આ સંજોગોમાં સરાજાહેર હત્યા કરનાર ટપોરીઓ વિરુદ્ધ કડકમાં કડક સજા કરી ગુજસીટોક જેવા કાયદા અન્વયે ગુન્હો દાખલ કરી અન્ય લુખ્ખાગીરી કરતા તત્વો ગુન્હા ન આચરે તેવા પગલાં લેવા જોઈએ તેમ જણાવ્યું હતું.બીજી તરફ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ જણાવ્યું હતું કે, મોરબીમાં કાયદો અને વ્યવસ્થા જેવું કઈ છે જ નહિ. લાંબા સમયથી મોરબીમાં અલગ અલગ ગેંગ સક્રિય થઈ છે.સામાન્ય માણસો સાથે નજીવી બાબતે ઝઘડા કરી પૈસા પડાવવા આવા તત્વોનો શિરસ્તો બની ગયો છે.લીલાપર રોડ પર બે દિવસ પૂર્વે આવી જ ઘટનામાં બાઈક ચાલકને છરી ઝીકી દેવાઈ હતી.સવાલ તો એ ઉઠે છે કે, કારખાનામાં કામ કરતા શ્રમિકો અને સામાન્ય માણસને રોકી દંડ ઉઘરાવતી પોલીસને આવા લુખ્ખા દેખાતા નથી.ઘાતક હથિયારો સાથે ફરતા આવા તત્વો અને કાળા કાચ વાળી ગાડીમાં ફરતા ટપોરીઓ સામે કડક હાથે કામગીરી કરવાનો સમય હવે પાકી ગયો હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.