મોરબી : મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા એકમો સામે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજ રોજ તારીખ ૨૧/૦૨/૨૦૨૬ના રોજ ફૂડ વિભાગ દ્વારા શનાળા રોડ પર આવેલી વિવિધ હોટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં અખાદ્ય સામગ્રી મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.મોરબી મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારી હિમાની ત્રિવેદીના જણાવ્યા મુજબ, શનાળા રોડ પર આવેલી મહેશ હોટલ, પાંડેજી હોટલ અને જ્વેલ હોટલમાં ડ્રાઇવ (ચેકિંગ) કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન હોટલોમાંથી લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક એવો અખાદ્ય અને વાસી ખોરાક તેમજ એક્સપાયરી ડેટ વગરની ડેરી પ્રોડક્ટ્સ મળી આવી હતી, જેનો અધિકારીઓએ સ્થળ પર જ નાશ કર્યો હતો.ફ્રિજમાં રાખેલો વાસી ખોરાક, બ્રેડ-પાઉં અને ગ્રેવીનો જથ્થો મળ્યોચેકિંગ દરમિયાન નાશ કરવામાં આવેલી ચીજવસ્તુઓમાં મુખ્યત્વે ફ્રોઝન ફૂડ, બેકરીની પ્રોડક્ટ્સ જેવી કે પાઉં અને બ્રેડ, તેમજ પંજાબી શાકમાં વપરાતી ગ્રેવીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પાંડેજી હોટલમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતા તેઓને હાઈજીન અને પ્રોપર સ્વચ્છતા જાળવવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.૭ દિવસની નોટિસ ફટકારાઈ, સીલ મારવાની ચીમકીફૂડ વિભાગ દ્વારા હોટલ સંચાલકોને ૭ દિવસની નોટિસ ફટકારવામાં આવી છે. જો ૭ દિવસ પછી પણ આપેલી સૂચનાઓનું પાલન નહીં થાય તો કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડ્યે હોટલ સીલ પણ કરવામાં આવશે તેવી કડક ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. આ સાથે જ ફૂડ વિભાગે મોરબીના તમામ વેપારીઓને જાહેર સૂચના આપી છે કે હવેથી કોઈપણ વેપારીએ અખાદ્ય, વાસી કે એક્સપાયરી ડેટ વગરનો ખોરાક રાખવો નહીં. જો આવું જણાશે તો તેનો સ્થળ પર જ નાશ કરી ફૂડ શાખા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.