કોંગ્રેસ આગેવાન રમેશ રબારીની ગૃહમંત્રીને રજૂઆતમોરબી: મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ અને લોકોની જાનમાલની સલામતી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાન રમેશ બી. રબારીએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે મોરબીમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી અને નિર્દોષ લોકોની સરાજાહેર હત્યાઓ થઈ રહી છે.લેખિત રજૂઆતમાં રમેશ રબારીએ જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાંથી રાજ્ય સરકારના મંત્રી હોવા છતાં કાયદો અને વ્યવસ્થા કથળેલી છે. તાજેતરમાં મોરબી શહેરમાં સામાન્ય બાબતમાં જતીનભાઈ સોની નામના યુવાનની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત થોડા દિવસ પહેલા નવાગામ લીલાપર ઘુંનડા રોડ પર પણ એક યુવાન પર જીવલેણ હુમલો થયો હતો. મોરબીમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે, જેના વિડીયો સોશિયલ મીડિયામાં અનેક વખત વાયરલ થવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. ખૂન, ખૂની હુમલા, દારૂ, ઘરફોડ ચોરી અને પશુ ચોરી જેવા ગેરકાયદેસર બનાવો રોજેરોજ બની રહ્યા છે. મોરબીમાં જાણે ગુનેગાર રાજ હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા પત્રમાં આક્ષેપ કરાયો છે કે, મોરબી જિલ્લાની પોલીસ માત્ર નાના અને ગરીબ માણસો તેમજ મધ્યમ વર્ગના ટુ-વ્હીલર ચાલકોને દંડવામાં જ વ્યસ્ત છે. દારૂ, જુગાર તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પોલીસ માત્ર વહીવટ કરવાનું જ કામ કરી રહી છે તેવો ગંભીર આક્ષેપ કરાયો છે. રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે પોલીસ વાહન ચાલકો પાસે દંડ વસૂલવાની સાથે સાથે રાત્રે અને દિવસે રખડતા શંકાસ્પદ લોકોનું કડક ચેકિંગ કરે, જેથી હથિયારો લઈને ફરતા ગુનેગારો પકડાય અને સામાન્ય બાબતમાં નિર્દોષ લોકોના જીવ ન જાય.અંતમાં રમેશ રબારીએ ઉગ્ર ચીમકી ઉચ્ચારી છે કે, આવનાર સમયમાં જો મોરબી જિલ્લામાં નિર્દોષ લોકોની હત્યા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવામાં નહીં આવે, તો મોરબીની પ્રજાને સાથે રાખીને જિલ્લા એસ.પી. કચેરીને તાળાબંધી કરવા જેવો આક્રમક કાર્યક્રમ આપવાની ફરજ પડશે. આ પત્રની નકલ મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના પોલીસ વડા, મુખ્ય સચિવ, રાજકોટ રેન્જ આઈ.જી. અને મોરબી એસ.પી.ને પણ રવાના કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #GujaratNews #MorbiPolice #LawAndOrder #CrimeNews #Congress #RameshRabari #HarshSanghvi