તસ્કરોએ પહેલા ગામના સીસીટીવી બંધ હાલતમાં છે તેની ખાતરી કર્યા બાદ અનેક સ્થળોને નિશાન બનાવ્યા : એક દુકાનમાંથી તેલ, ચા, માવા પણ ચોરી ગયામોરબી : માળિયા મિયાણા તાલુકાના રોહિશાળા ગામમાં ગત રાત્રિના સમયે ચોરોએ ભારે તરખાટ મચાવ્યો છે. ગામમાં એકસાથે અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તસ્કરોએ ૩ મકાન, ૨ મંદિર, ૧ દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરીને અંજામ આપ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ઘટના ગત રાત્રિના ૧ વાગ્યાથી લઈને વહેલી સવારના ૫ વાગ્યાના અરસામાં બની હતી. તસ્કરોએ ગામમાં કુલ ૩ મકાન, ૨ મંદિર અને ૧ દુકાનમાં ચોરી કરી છે. આ ઉપરાંત, તેઓએ ગ્રામ પંચાયતને પણ છોડી ન હતી. તસ્કરોએ સૌથી પહેલા ગ્રામ પંચાયતમાં જઈને કેમેરા ચાલુ છે કે નહીં તેની તપાસ કરી હતી. જોકે, ઘટના સમયે જ કેમેરા બંધ હાલતમાં હતા. હાલમાં ગ્રામ પંચાયતમાં વહીવટદાર શાસન છે. જાણવા મળ્યા મુજબ, ગામના ૧૨ જેટલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર (DVR) છેલ્લા એક મહિનાથી રિપેરિંગ માટે આપવામાં આવ્યું હોવાથી સિસ્ટમ બંધ હતી. ગામમાં કેમેરા ચાલુ ન હોવાની ખાતરી કર્યા બાદ જ તસ્કરોએ મોકળું મેદાન સમજીને ઉપરાઉપરી ૩ ઘર, ૨ મંદિર અને ૧ દુકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો.તસ્કરો ગામમાં આવેલા કબીર આશ્રમમાંથી દાનપેટીમાંથી અંદાજે રૂ.20 હજારની રોકડ અને ઘી ચોરી ગયા છે. જ્યારે રામજી મંદિરમાં 3 ચાંદીના છતર ચોરી ગયા છે. ઉપરાંત પૂજારી હરિકૃષ્ણ ટીલાવત બહાર ગામ ગયા હોવાથી બંધ મકાનના તાળા તોડી રોકડ અને ચાંદીના ઘરેણાની ચોરી કરી હતી. સાથે વલ્લભભાઈ વિઠલભાઈ કાલરીયાની દુકાનમાંથી તેલની બોટલ, ચા, માવા અને પરચુરણ ચોરી ગયા હતા.