સોની પરિવારને ત્યાં આજે વાસ્તુનો પ્રસંગ હતો, તે પૂર્વે જ ઘરમાં માતમ છવાયો, 11 મહિનાની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવતા ભારે કરૂણતા સર્જાયમોરબી : મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય અને પોલીસનો કોઈ જાતનો ડર ન હોય તેમ ગઈકાલે રાત્રે શહેરમાં વાહનને સાઈડ આપવા જેવી અત્યંત સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં એક સોની યુવાનની છરીના ઘા ઝીંકીને જાહેરમાં ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.કોલર પકડી કારમાંથી બહાર કાઢી છરીનો ઘા ઝીંકયો : બહેનબનાવ સમયે મૃતકની સાથે રહેલા તેમના બહેન ચેતનાબેન પારેખે ભારે હૈયે જણાવ્યું હતું કે, 'અમે કંઈ જ નહોતું કર્યું, અમે સાઈડ મેળવવા માત્ર 2-3 હોર્ન માર્યા હતા. સામેવાળા શખ્સે અમને સાઈડ નહોતી આપી. તેણે પોતાનું સ્કૂટર ઊભું રાખીને ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. બોલાચાલી પૂરી થયા પછી પણ તે શખ્સ પોતાનું સ્કૂટર પાર્ક કરીને ડ્રાઇવિંગ સીટ પાસે આવ્યો અને મારા ભાઈનો કોલર ખેંચી, તેને બહાર કાઢીને સીધા છરીના ઘા મારી દીધા હતા.'પરિવારજનોની એક જ માંગ છે કે આરોપીઓને કડકમાં કડક સજા થાય અને તેને ફાંસીને માંચડે લટકાવવામાં આવે. આજે વાસ્તુ હતું, એટલે જતીન બહેનને રાજકોટથી તેડીને પરત ફરી રહ્યો હતોમૃતકના ભાઈ મૌલિકભાઈ રસિકભાઈ આડેસરા (સોની) એ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમના ઘરે વાસ્તુનો પ્રસંગ હોવાથી તેમના ભાઈ ગઈકાલે બપોરે રાજકોટ બહેનને તેડવા ગયા હતા. બહેનને લઈને મોરબી પરત ફરતી વખતે 'રંગોલી આઈસ્ક્રીમ' પાસે વાહનને સાઈડ આપવા બાબતે સામેવાળા વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા શખ્સે તેમના ભાઈને કારની નીચે ઉતારીને છરીના ત્રણ ઘા મારી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ યુવાનનું માત્ર ૧૦ થી ૧૫ મિનિટમાં જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતક યુવાનના લગ્ન ૫ થી ૬ વર્ષ પહેલા જ થયા હતા અને તેની ૧૧ મહિનાની એક નાની દીકરી પણ છે, જેણે હવે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.મોરબીમાં લોકો અસુરક્ષિત, કાયદાઓ કડક કરો: પાડોશીનો આક્રોશઆ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ છે. પાડોશમાં રહેતા દીપ્તિબેન ખખ્ખરે તંત્ર સામે સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, 'મોરબી જેવા નાના શહેરમાં આવા બનાવો વારંવાર બને છે. જો પુરુષો સાથે દિવસે આવું થતું હોય તો અમારે મહિલાઓએ બહાર કેવી રીતે નીકળવું? હવે તો દિવસે પણ બહાર નીકળતા ડર લાગે છે.'તેઓએ કલેક્ટર અને મંત્રીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે શહેરમાં પબ્લિકની સુરક્ષા માટે કાયદામાં સુધારા કરવા જોઈએ અને કડક કાર્યવાહી થવી જોઈએ.