મોરબી: મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ સામાન્ય બાબતે મારામારી, હુમલા જેવા ગંભીર બનાવો વધી રહ્યાં છે. ત્યારે આજે ગુરુવારે રાત્રે મોરબીના શનાળા રોડ પર ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં એક યુવાનને છરીના ઘા મારીને રહેંસી નાખવામાં આવતાની ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામી છે.ઘટનાની વિગત:પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, મોરબીના શનાળા રોડ પર સરદારબાગથી આગળ આવેલ રંગોલી આઇસ્ક્રીમની સામે આ ઘટના બની હતી. જતિન સોની નામનો યુવાન પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ઓવરટેક કરવા જેવી બાબતે બે બાઈક સવારો સાથે તેનો વિવાદ થયો હતો. આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બાઈક સવારોએ ઉશ્કેરાઈને જતિન સોની પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. યુવાનને ગંભીર ઈજાઓ પહોંચાડીને હુમલાવરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.પોલીસ કાફલો દોડી ગયો:ઘટનાને પગલે ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હુમલો એટલો ઘાતકી હતો કે યુવાને જીવ ગુમાવ્યો હતો. આ ચકચારી બનાવની જાણ થતાં જ ડીવાયએસપી જે.એમ.આલ, મોરબી એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ રાકેશ પટેલ.એલસીબી પીઆઇ મયંક પંડ્યા તેમજ અન્ય પોલીસ સ્ટાફ તાત્કાલિક ક્રિષ્ના હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. હાલ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.