મોરબી : આગામી ૨૧મી ફેબ્રુઆરી એટલે કે 'વિશ્વ માતૃભાષા દિવસ'. આ દિવસની શાનદાર ઉજવણી કરવા અને આપણી ગૌરવવંતી માતૃભાષા ગુજરાતીનો મહિમા ગાવા માટે મોરબીમાં એક ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર અને મોરબીની શ્રી રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે શનિવારે રાત્રે આ વિશેષ સાહિત્યિક કાર્યક્રમ યોજાશે.'માતૃભાષા સપ્તાહ' અંતર્ગત યોજાઈ રહેલા આ 'માતૃભાષા મહોત્સવ-૨૦૨૬' માં પ્રખ્યાત કવિઓ પોતાની રચનાઓ રજૂ કરશે. આ કાર્યક્રમ મોરબી આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રામ વારોતરિયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યો છે. આ કવિ સંમેલનમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા માટે જાણીતા કવિઓ દિનેશ કાનાણી અને રાકેશ હાંસલિયા ખાસ રાજકોટથી ઉપસ્થિત રહેશે. સાથે જ, કવિ રામ વારોતરિયા પણ પોતાની કવિતાઓનો રસથાળ પીરસશે.ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જ્હાની પ્રેરણાથી આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સર્વોદય એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ પ્રદીપભાઈ વોરા અને અતિથિ વિશેષ તરીકે મંત્રી રજનીભાઈ મહેતા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું સુંદર સંચાલન ડૉ. કવિતાબા ઝાલા દ્વારા કરવામાં આવશે.કાર્યક્રમની રૂપરેખા:તારીખ: ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ (શનિવાર)સમય: રાત્રે ૦૯:૦૦ કલાકેસ્થળ: અરુણોદય હોલ, શ્રી રસિકલાલ શેઠ બોયઝ હાઇસ્કૂલ, વસંત પ્લોટ, ટેલિફોન એક્સચેન્જ પાસે, મોરબી.સમગ્ર મોરબી પંથકના સાહિત્ય રસિકોને આ સાહિત્યિક મિજબાનીનો લાભ લેવા માટે કાર્યક્રમના સંયોજક ડૉ. એ. કે. ધ્રુવ તથા નિમંત્રકો હરજીવન ચનિયારા (આચાર્ય) અને ડૉ. જયેન્દ્રસિંહ જાદવ (મહામાત્ર, સાહિત્ય અકાદમી) દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તો ચાલો મોરબીયનો, 'મળી માતૃભાષા મને ગુજરાતી' ના ગૌરવ સાથે આ મહોત્સવમાં પધારીએ.