મોરબી : મોરબી જિલ્લામાં ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી વીજલાઈનોના મામલે ખેડૂતો અને કંપનીઓ વચ્ચે ઘર્ષણના બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે ૨૨૦ KV વીજલાઈનની કામગીરી માટે પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચેલ કંપનીના અધિકારીઓનો ખેડૂત નેતા મહેશ રાજકોટિયાએ ભારે વિરોધ કરી કામગીરી અટકાવી દીધી હતી.શું હતો સમગ્ર મામલો?પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી જિલ્લામાં હાલ ૨૨૦ KV વીજલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. ગત રોજ વાંકાનેરના મેસરિયા ગામે આ કામગીરી કરવા માટે કંપનીના અધિકારીઓ પોલીસ કાફલા (પોલીસ પ્રોટેક્શન) સાથે ખેડૂતોના ખેતરમાં પહોંચ્યા હતા. આ અંગેની જાણ સ્થાનિક ખેડૂતોએ મહેશ રાજકોટિયાને કરતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.અધિકારીઓનો ઉધડો લીધોખેતરમાં પોલીસ જોઈને રોષે ભરાયેલા મહેશ રાજકોટિયાએ સ્થળ પર હાજર કંપનીના અધિકારીઓનો બરાબરનો ઉધડો લીધો હતો. તેમણે અધિકારીઓને આડા હાથે લેતા સ્પષ્ટ જણાવ્યું હતું કે, 'મારા જિલ્લામાં કોઈપણ ખેડૂતના ખેતરમાં પોલીસ પ્રોટેક્શન સહન નહીં થાય. ખેડૂતના ખેતરમાં પોલીસ પ્રોટેક્શન લઈને તમે શું કામ આવ્યા છો?' તેમણે અધિકારીઓને ખેડૂતો સાથે દાદાગીરી કરવાના બદલે પ્રેમથી બેસીને પ્રશ્ન હલ કરવાની સલાહ આપી હતી.કામગીરી બંધ કરવાની ફરજ પડીઅંતે મહેશ રાજકોટિયાના આક્રમક વલણ અને ખેડૂતોના વિરોધને પગલે સ્થળ પર દાદાગીરીનો અંત આવ્યો હતો અને કંપનીને વીજલાઈનની સંપૂર્ણ કામગીરી બંધ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત, ભવિષ્યમાં પણ પોલીસ પ્રોટેક્શન લઈને ખેતરમાં પ્રવેશ નહીં કરવાની કડક ચેતવણી આપવામાં આવી હતી.