વાંકાનેર, હળવદ અને માળિયામાં પણ હોસ્પિટલમાં સ્ટાફની ઘટ : સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આરોગ્યમંત્રીને ખાલી જગ્યા ભરવા લખ્યો પત્ર મોરબી : રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ મોરબી જિલ્લામાં આરોગ્ય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી (રાજ્યકક્ષા) પ્રફુલભાઈ પાનસેરીયાને પત્ર લખીને મહત્વની રજૂઆત કરી છે. સાંસદે મોરબી સરકારી આંખની હોસ્પિટલ અને જિલ્લાના અન્ય કેન્દ્રોમાં ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવા માટે ભલામણ કરી છે.નેત્ર સર્જન (વર્ગ-1) ની જગ્યાઓ છેલ્લા ૫ વર્ષથી ખાલીસાંસદે તેમના પત્રમાં જણાવ્યું હતું કે, મોરબી ખાતે આવેલી સરકારી આંખની હોસ્પિટલ ૧૦૦ પથારીની સુવિધા ધરાવતી સ્વતંત્ર હોસ્પિટલ છે. મોતિયાના ઓપરેશનની કામગીરીમાં આ હોસ્પિટલ સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમે આવે છે અને અહીં અનેક જિલ્લાઓમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે.જોકે, આ હોસ્પિટલમાં નેત્ર સર્જન વર્ગ-૧ની બે જગ્યાઓ મંજૂર થયેલ હોવા છતાં, છેલ્લા પાંચ વર્ષથી આ જગ્યાઓ પર કોઈ કાયમી નિમણૂક કરવામાં આવી નથી. આથી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ નિયમોનુસાર કાયમી નેત્ર સર્જન વર્ગ-૧ની જગ્યાઓ ભરવા માટે ભલામણ કરી છે.વાંકાનેર, હળવદ અને માળિયામાં સ્ટાફની ઘટઆ ઉપરાંત, અન્ય એક પત્રમાં સાંસદે મોરબી આંખની હોસ્પિટલના તાબા હેઠળ આવતા અન્ય કેન્દ્રોમાં પણ સ્ટાફની અછતનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે વાંકાનેર, હળવદ અને માળિયા મિયાણાના કેન્દ્રો પર ખાલી પડેલી 'ઓપ્થલ્મીક આસીસ્ટન્ટ વર્ગ-૩' ની જગ્યાઓ ભરવા માટે રજૂઆત કરી છે. સાંસદની આ રજૂઆતને પગલે મોરબી જિલ્લામાં આંખની સારવાર માટે આવતા દર્દીઓને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે ઉકેલ આવે તેવી આશા સેવાઈ રહી છે.