મોરબી : મોરબી મહાનગરપાલિકા બન્યા પછી શહેરનો વિકાસ થશે તેવી આશાએ બેઠેલા વેપારીઓ હવે તંત્રની બેદરકારીનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને શહેરના મુખ્ય વ્યવસાયિક કેન્દ્ર એવા કાપડ મહાજન વિસ્તારમાં છેલ્લા ૧૫-૨૦ દિવસથી ગટરની લાઈનો ઉભરાવવાની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. નવાઈની વાત તો એ છે કે, ઉકેલ લાવવાને બદલે મહાનગરપાલિકાના અધિકારીઓ એકબીજા પર દોષારોપણ કરવામાં મસ્ત છે.અધિકારીઓ વિઝિટ કરી જાય છે, પણ કામ ‘ઝીરો’!કાપડ મહાજનના વેપારીઓએ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, 'અમે સજ્જન વેપારીઓ છીએ, લુખ્ખાઓની જેમ રસ્તા રોકીને જનતાને હેરાન કરવા નથી માંગતા. પણ અમારી મર્યાદાને તંત્ર અમારી નબળાઈ સમજી રહ્યું છે.' વેપારીઓના જણાવ્યા અનુસાર, મહાનગરપાલિકાના અધિકારીઓ રૂબરૂ વિઝિટ તો કરી જાય છે, પણ જ્યારે કામ કરવાની વાત આવે ત્યારે ‘આ લાઈન મારામાં નથી આવતી, બીજા વિભાગમાં આવે છે’ કહીને હાથ ઊંચા કરી દે છે.ટેક્સ ઉઘરાવવામાં મોખરે, સુવિધા આપવામાં ઠાગાઠૈયા?મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ વેપારીઓ પાસેથી મસમોટા ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલે સ્થિતિ ઠેરની ઠેર છે. ગટરના ગંદા પાણીને કારણે ગ્રાહકો દુકાન સુધી પહોંચી શકતા નથી, જેને કારણે વેપાર-ધંધાને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. વેપારીઓએ સીધો સવાલ કર્યો છે કે જો અધિકારીઓ જ કામ કરવાની ના પાડતા હોય, તો સામાન્ય જનતાએ જવું ક્યાં? કાપડ મહાજન દ્વારા માંગ કરવામાં આવી છે કે કમિશનર પોતે આ વિસ્તારની મુલાકાત લે અને ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતા તપાસે.અનેક વખત રજૂઆત છતાં પરિણામ શૂન્યવેપારીઓનો દાવો છે કે, તેઓએ અત્યાર અનેક વખત અલગ-અલગ માધ્યમોથી રજૂઆત કરી છે, છતાં તંત્રના બહેરા કાને અથડાઈને આ રજૂઆતો પાછી આવે છે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે, તો વેપારીઓ આક્રમક વલણ અપનાવે તેવી પૂરેપૂરી શક્યતા છે.