'જો કાલથી કામ શરુ નહિ થાય તો મેઈન રોડ બંધ કરી ત્યાં જ બેસી જશું' : સ્થાનિકોનું અલ્ટીમેટમ મોરબી: મોરબીના માધાપર વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ખોદી નાખવામાં આવેલા રસ્તા અને ઉભરાતી ગટરની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિક રહીશોએ આજે ઉગ્ર બની ચક્કાજામ કર્યો હતો. જોકે, આ આંદોલનના પગલે તંત્ર દોડતું થયુ હતું અને સ્થળ પર આવીને કાલથી કામ શરૂ કરવાની ખાતરી આપતા હાલ આંદોલન સમેટાયું છે, પરંતુ સ્થાનિક મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આવતીકાલથી કામ શરુ નહીં થાય તો હવે મેઈન રોડ બંધ કરવામાં આવશે.ત્રણ મહિનાની હાલાકી બાદ સ્થાનિકો રસ્તા પર ઉતર્યામાધાપર શેરી નં-2 અને વાવડી રોડ વિસ્તારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા સીસી રોડ અને ડ્રેનેજની કામગીરી મંજૂર કરવામાં આવી હતી. જોકે, છેલ્લા ત્રણેક મહિનાથી રસ્તો ખોદીને મૂકી દેવામાં આવ્યો હોવાથી અને ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકોનું જીવવું મુશ્કેલ બની ગયું હતું. આ મુદ્દે અગાઉ રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવતા આજે મહિલાઓ અને સ્થાનિકોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો.તંત્રનો ખુલાસો: હાઉસ ચેમ્બરની કામગીરી બાકી હોવાથી વિલંબસ્થળ પર પહોંચેલા અધિકારીએ ટેકનિકલ કારણો આપતા જણાવ્યું હતું કે, ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને રોડ માટે બોક્સ કટિંગ પણ થઈ ગયું છે. પરંતુ હાઉસ ચેમ્બર (ઘરના કનેક્શન) બનાવવાનું કામ બાકી હતું. જો હાઉસ ચેમ્બર પહેલા રોડ બનાવી દેવામાં આવે તો ફરીથી રોડ તોડવો પડે અને પાઈપ લાઈન તૂટવાનો ભય રહે. જેથી હવે આવતીકાલથી જ હાઉસ કનેક્શનની કામગીરી શરુ કરી દેવામાં આવશે અને ત્યારબાદ રોડનું કામ પૂર્ણ કરાશે.અધિકારીએ આશ્વાસન આપ્યું કે રસ્તો હોળી સુધીમાં ચાલી શકાય તેવો થઈ જશે : સ્થાનિકોચક્કાજામ બાદ તંત્ર દ્વારા આશ્વાસન મળતા એક સ્થાનિક યુવતીએ જણાવ્યું હતું કે, 'અત્યારે અમે અધિકારીઓના શબ્દો પર ભરોસો રાખીને આંદોલન સમેટી રહ્યા છીએ. તેમણે અમને વચન આપ્યું છે કે હોળી સુધીમાં રસ્તો ચાલી શકાય તેવો થઈ જશે. પરંતુ જો આવતીકાલે સ્ટાફ કામ પર ન આવ્યો, તો અમે હવે શેરીમાં નહીં પણ મેઈન રોડ પર ચક્કાજામ કરશું અને કોઈને ત્યાંથી જવા દઈશું નહીં.' સ્થાનિક મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, વિસ્તારમાં મચ્છર અને ગટરના પાણીના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે. બાળકો સ્કૂલે જઈ શકતા નથી અને વાહનો પણ ઘર સુધી પહોંચતા નથી, જેના કારણે બીજાની શેરીઓમાં વાહનો પાર્ક કરવા પડે છે જેની કોઈ સુરક્ષા નથી.