મોરબી: મોરબી શહેરની ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે અત્યારે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. 'વન વીક વન રોડ' ઝુંબેશ હેઠળ આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકામાં ભળેલા ગ્રામ્ય વિસ્તારોમાં એટલે કે જુના ઘુંટુ રોડ પર મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.દબાણો પર ચાલ્યું બુલડોઝરસવારથી જ મહાનગરપાલિકાની ટીમ બુલડોઝર અને કાફલા સાથે ઘૂંટુ રોડ પર ત્રાટકી હતી. આ કામગીરી દરમિયાન રોડ પર નડતરરૂપ એવા અનેક કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં રસ્તા પર નડતરરૂપ 10 કેબિનો હટાવવામાં આવી. દુકાનદારો દ્વારા રસ્તા પર કાઢવામાં આવેલા ૧૫થી વધુ છાપરાઓ દૂર કરાયા. રસ્તાની વચ્ચે આવતી 1 કાચી દુકાન પર પણ બુલડોઝર ફેરવી દેવાયું. મંજૂરી વગર લગાવેલા 15 હોર્ડિંગ્સ અને બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યા હતા.લોકોએ સ્વેચ્છાએ પણ દબાણો હટાવ્યામહાનગરપાલિકાની કડક કાર્યવાહી જોઈને અનેક લોકોએ પોતાના દબાણો સ્વેચ્છાએ હટાવવાનું શરૂ કરી દીધું હતું. તંત્રના જણાવ્યા અનુસાર, જો સ્વેચ્છાએ દબાણ નહીં હટાવવામાં આવે તો બુલડોઝર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.ટ્રાફિક સમસ્યામાંથી મળશે મુક્તિ?ઘૂંટુ રોડ એ સિરામિક ફેક્ટરીઓ અને હળવદ તરફ જતા વાહનો માટે ખૂબ જ મહત્વનો રસ્તો છે, જ્યાં સવાર-સાંજ સતત ટ્રાફિક જામની સમસ્યા રહેતી હોય છે. ત્રાજપર ચાર રસ્તા પાસે આ દબાણો દૂર થવાથી હવે રસ્તો વધુ પહોળો થશે અને વાહનચાલકોને હાલાકીમાંથી મુક્તિ મળશે તેવી આશા છે.અધિકારીનું નિવેદનઆ અંગે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'આજે ત્રાજપર ચોકડી પર કાચા-પાકા દબાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ રોડ પર ફરીથી દબાણો ન થાય તે માટે ખાસ સુપરવિઝન રાખવામાં આવશે. તેમજ મહેન્દ્રનગર સહિતના અન્ય વિસ્તારોમાં પણ જરૂર જણાયે આવી જ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.'