રસ્તો બંધ કરાતા વેપારીઓની હાલત કફોડી, બેરીકેટ હટાવવા કલેક્ટરને રજુઆત : ગ્રાહકોને લાંબો ફેરો ફરવો પડતો હોવાથી ધંધા ઠપ્પ થયામોરબી : મોરબીના નટરાજ ફાટક પાસે આવેલા શક્તિ કોમ્પ્લેક્ષના દુકાનદારોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદન આપીને રજુઆત કરી છે કે, પુલના રીપેરીંગ કામના બહાને રસ્તો બંધ કરી દેવામાં આવતા તેમના ધંધા-રોજગાર પર માઠી અસર પડી છે. જેથી તાત્કાલિક ધોરણે બેરીકેટ હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવે.આ અંગે શક્તિ કોમ્પ્લેક્ષના દુકાનદારો વતી એડવોકેટ એન્ડ નોટરી એચ. એમ. સોલંકી દ્વારા કલેક્ટરને કરાયેલી લેખિત રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, તારીખ ૧૨/૦૨/૨૦૨૬ ના રોજ પાડા પુલના રીપેરીંગ કામ માટે એક જાહેરનામું બહાર પાડીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે. પરંતુ આ નિર્ણય લેતી વખતે અહીંના સ્થાનિક દુકાનદારો અને ટ્રાફિકની વ્યવસ્થાને ધ્યાનમાં લેવામાં આવી નથી. રસ્તો બંધ હોવાથી સામા કાંઠેથી આવતા ગ્રાહકો અને લોકોને શક્તિ કોમ્પ્લેક્ષ સુધી પહોંચવા માટે શક્તિ ચોક થઈને મોટો રાઉન્ડ લગાવીને આવવું પડે છે. શક્તિ કોમ્પ્લેક્ષમાં એડવોકેટ, નોટરી, ઝેરોક્ષ, સ્ટેશનરી, પાન-મસાલા અને મોબાઈલ જેવી અનેક દુકાનો આવેલી છે. રસ્તો બંધ થવાથી ગ્રાહકો અહીં સુધી પહોંચી શકતા નથી, જેના કારણે ધંધા સાવ ઠપ્પ થઈ ગયા છે. અહીંની ઘણી દુકાનો ભાડા પર ચાલે છે. આવક બંધ થતા ભાડું ચૂકવવું અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. વેપારીઓએ માંગ કરી છે કે એલ.ઈ. કોલેજ તરફ જે બેરીકેટ સળંગ લગાવી દેવામાં આવ્યા છે, તેમાંથી અમુક બેરીકેટ હટાવીને અવરજવર માટે રસ્તો ખુલ્લો કરવામાં આવે, જેથી તેમની આજીવિકા બચી શકે.આમ, નટરાજ ફાટક પાસેના પુલ વચ્ચે આવેલા શક્તિ કોમ્પ્લેક્ષના વેપારીઓએ વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા તંત્ર સમક્ષ માંગ કરી છે.કલેક્ટરે વેપારીઓના પ્રશ્નનું નિરાકરણ લાવવા સૂચના આપીવેપારીઓની રજુઆત સાંભળ્યા બાદ જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ માર્ગ અને મકાન વિભાગ તેમજ સબંધિત તંત્રને સૂચના આપી વેપારીઓના પ્રશ્નોનું સોલ્યુશન કરવા જણાવ્યું છે.