મોરબી : મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા જાણે કાયમી બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. શહેરના વૈદેહી પ્લાઝા પાછળ આવેલા ગોપાલ એપાર્ટમેન્ટ પાસે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાતી હોવાની ફરિયાદ ઉઠી છે. આ બાબતે સ્થાનિકો દ્વારા બે-બે વખત લેખિત અરજી કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.મળતી વિગત મુજબ, મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૦ (ક્લસ્ટર ૧૦) માં આવેલા ગોપાલ એપાર્ટમેન્ટ, વૈદેહી પ્લાઝા પાછળ, મહાબલી હનુમાન મંદિર પાસે ભૂગર્ભ ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા દુર્ગંધને કારણે સ્થાનિક રહિશો અને ત્યાંથી પસાર થતા રાહદારીઓનું જીવવું મુશ્કેલ બની ગયું છે.સ્થાનિકોનો આક્ષેપરહીશોના જણાવ્યા અનુસાર, આ અંગે ડ્રેનેજ વિભાગમાં અગાઉ બે વખત અરજી કરવામાં આવી છે, તેમ છતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે. ગંદા પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે. ત્યારે મોરબી મહાનગરપાલિકા આ ગંભીર પ્રશ્નનું નિરાકરણ લાવે તેવી માગ ઉઠી રહી છે.