મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક મેળામાંથી પરત ફરીને કેનાલના પાણીમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી એક તરુણ ડૂબી જતા લાપતા બન્યો હતો. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બે દિવસ સુધી શોધખોળ ચલાવ્યા બાદ અંતે આજે તરુણનો મૃતદેહ મળી આવ્યો છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રવિવારે બપોરે 15:12 વાગ્યાના અરસામાં મોરબી ફાયર કંટ્રોલરૂમને માહિતી મળી હતી કે રફાળેશ્વર નજીક કેનાલ અને ડેમ જ્યાં મળે છે તે વિસ્તારમાં એક વ્યક્તિ ડૂબી ગઈ છે. વિગતો મુજબ, મૂળ નવાગામના અને હાલ મોરબીના જેલ રોડ પર આવેલી નીલકમલ સોસાયટીમાં રહેતા સાહિલ દીપકભાઈ સોલંકી (ઉ.વ. 17) નામના તરુણ રફાળેશ્વર મેળામાંથી થઈને અન્ય બે લોકો સાથે કેનાલ પર ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન પાણીમાં ન્હાવા પડેલા ત્રણ લોકોમાંથી સાહિલ સોલંકી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મોરબી ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક બોટ અને તરવૈયાઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શોધખોળ દરમિયાન ભારે જહેમત બાદ 45 કલાક બાદ આજે 11 વાગ્યા આસપાસ તરુણનો મૃતદેહ મળી આવ્યો છે. આ રેસ્કયૂ કામગીરીમાં મોરબી ફાયર ટીમ, રાજકોટ ફાયર ટીમ અને જામનગર ફાયર ટીમ જોડાયેલ હતી.