મોરબી: વર્તમાન સમયમાં જ્યારે લોકો સામાજિક પ્રસંગોમાં લાખોનો ધૂમ ખર્ચ કરીને 'ભવ્યતા' બતાવતા હોય છે, ત્યારે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના એક સભ્યએ સાદગી અને સેવાનો માર્ગ અપનાવી સમાજને નવી રાહ ચીંધી છે.બાલાશ્રમના બાળકો સાથે ‘નીરવા’ના જન્મદિવસની ઉજવણીપાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સભ્ય આશાબેન જીગ્નેશભાઈ ભાલોડિયાની દીકરી નીરવાના જન્મદિવસ નિમિત્તે કોઈ વૈભવી પાર્ટી કરવાને બદલે માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવ્યો હતો. ટંકારાના બંગાવડી સ્થિત બાલાશ્રમ ખાતે બાળકો સાથે આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બહારની મોંઘી કેકને બદલે ઘરે બનાવેલી શુદ્ધ કેક બાળકો સાથે કાપી મોઢું મીઠું કરાવ્યું હતું. તેમજ બાળકોને મનપસંદ એવા પાણીપુરી અને પાઉંભાજીનો ભરપેટ નાસ્તો કરાવાયો હતો. અને તમામ બાળકોને ઉપયોગી ભેટ (Gifts) આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.રમત-ગમત દ્વારા નિર્દોષ આનંદની લ્હાણીમાત્ર જમાડવા પૂરતું મર્યાદિત ન રહેતા, પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના અન્ય સભ્યોએ પણ હાજર રહીને બાલાશ્રમના બાળકો સાથે અવનવી રમતો રમી હતી. બાળકોના ચહેરા પર સ્મિત રેલાવી ગ્રુપના સભ્યોએ આ દિવસને યાદગાર બનાવ્યો હતો. આમ, ભાલોડિયા પરિવારે ભપકાદાર ઉજવણીના મોહને ત્યાગીને સામાજિક જવાબદારી નિભાવી એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.