મામલતદાર અને ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં આર્મીમેને પારણાં કર્યાટંકારા: મોરબી જિલ્લાના ટંકારા ખાતે પડતર પ્રશ્નોને લઈને આર્મીમેન દ્વારા શરૂ કરવામાં આવેલા આમરણ ઉપવાસ આંદોલનનો તંત્ર અને રાજકીય આગેવાનોના સંયુક્ત પ્રયાસોથી સુખદ અંત આવ્યો છે. ધારાસભ્યની સૂચના અને મામલતદારની પ્રત્યક્ષ મુલાકાત બાદ પ્રશ્નનું નિરાકરણ આવતા આર્મીમેને ઉપવાસ સમેટી લીધા હતા.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારા ઉપવાસ છાવણીમાં એક આર્મીમેન પોતાના પ્રશ્નને લઈને આમરણ ઉપવાસ પર ઉતર્યા હતા. આ બાબતની જાણ થતાં જ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું. ટંકારા મામલતદાર પી. એન. ગોરે રૂબરૂ સ્થળની મુલાકાત લીધી હતી અને ઉપવાસી જવાન સાથે ચર્ચા કરી તેમના પ્રશ્નનું નિરાકરણ લાવ્યા હતા. તંત્ર દ્વારા કલેક્ટર કચેરીથી મંગાવવામાં આવેલ અભિપ્રાય પત્રક તાત્કાલિક અસરથી ઈ-સાઈન મારફતે વડી કચેરીને સુપ્રત કરવામાં આવ્યું હતું.બીજી તરફ, આ ઘટનાના સમાચાર માધ્યમોમાં પ્રસારિત થતા જ ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ત્વરિત નોંધ લીધી હતી. તેમણે ટંકારા ભાજપના મહામંત્રી રૂપસિંહ ઝાલાને સ્થળ પર પહોંચી, પ્રશ્નની વિગતો જાણી અને તંત્ર સાથે સંકલન સાધીને ઉકેલ લાવવા સૂચના આપી હતી. આ પ્રસંગે ટંકારા ભાજપના સંગઠન અગ્રણી દિનેશભાઈ ગડારા, રૂપસિંહ ઝાલા અને દિનેશભાઈ વાધરિયા સહિતની ટીમે ઉપસ્થિત રહીને મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. અંતે, મામલતદાર અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં આર્મીમેને પારણાં કરી પોતાના ઉપવાસ પૂર્ણ કર્યા હતા.