મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઘરવિહોણા લોકોને આશરો આપવા માટે કાર્યરત આશ્રયગૃહમાં તાજેતરમાં આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશ્રય લઈ રહેલા લોકોના સ્વાસ્થ્યની ચકાસણી કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. (UCD) શાખા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના હેઠળ શહેરી ઘરવિહોણા લોકો માટે મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ચલાવવામાં આવે છે. આ આશ્રયગૃહનું સંચાલન શ્રી સિદ્ધિ ખાદીગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તાજેતરમાં અહીં વસવાટ કરતા આશ્રિતોના સ્વાસ્થ્યની દરકાર લેવાના હેતુથી આરોગ્ય વિભાગ અને પાલિકાની યુ.સી.ડી. શાખાના સંયુક્ત ઉપક્રમે જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આશ્રિતોના બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સહિતની તપાસ કરવામાં આવી હતી અને તેમને જરૂરી દવાઓ તથા આરોગ્યલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મોરબી મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ અહીં દર 15 દિવસે નિયમિતપણે આવા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વખતના કેમ્પમાં કુલ 51 જેટલા આશ્રિતોએ લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગની ટીમ અને સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓએ જહેમત ઉઠાવી હતી.