મોરબી: મોરબીની અદાલતે ચેક રિટર્ન કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપીને 1 વર્ષની સાદી કેદ અને ચેકની રકમના ડબલ એટલે કે 8 લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો છે. આ ચુકાદો કોર્ટમાં ગેરહાજર રહીને કેસ લંબાવતા આરોપીઓ માટે લાલબતી સમાન ગણવામાં આવી રહ્યો છે.કેસની વિગત:આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી કમલેશભાઈ નટવરલાલ પટેલ (રહે. મકનસર) એ આરોપી મેહુલકુમાર મનજીભાઈ બાવરવા (રહે. ગોકુળીયા, ચરાડવા પાસે, તા. હળવદ) ને ધંધાના રોકાણ માટે રૂ. 4,00,000 (ચાર લાખ) આપ્યા હતા. આ રકમ પરત કરવા માટે આરોપીએ ચેક આપ્યો હતો, જે રિટર્ન થતા ફરિયાદીએ મોરબીની કોર્ટમાં 'નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ' હેઠળ ક્રિમિનલ કેસ નં-4584/2023 દાખલ કર્યો હતો.કોર્ટનો ચુકાદો:આ કેસ મોરબીના ચોથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સી.વાય. જાડેજા સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં ફરિયાદી પક્ષે રોકાયેલા મોરબીના સિનિયર એડવોકેટ ગૌતમ ડી. વરીયાની દલીલો અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને તારીખ 11-02-2026 ના રોજ અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો.સજા અને દંડ:નામદાર કોર્ટે આરોપી મેહુલકુમાર બાવરવાને નીચે મુજબની સજા ફટકારી છે:● 1 વર્ષની સાદી કેદની સજા.● ચેકની મૂળ રકમ રૂ. 4 લાખના ડબલ એટલે કે રૂ. 8,00,000 (આઠ લાખ) વળતર તરીકે ચૂકવવા.● ફરિયાદ તારીખથી વાર્ષિક 9% વ્યાજ પણ ચૂકવવાનો આદેશ.નોંધનીય છે કે, ચુકાદા સમયે આરોપી કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે તેની સામે સજા વોરંટ કાઢવાનો પણ હુકમ કર્યો છે.