હાલ મોટી કડને કારણે વેપારીઓ રોષે ભરાયા: આવતીકાલ સુધીમાં કામ શરુ નહિ થાય તો ચક્કાજામની ચીમકીમોરબી: મોરબીમાં આસ્વાદ પાનથી સ્ટેશન રોડને જોડતા રોડ ઉપર સીસી રોડ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ રસ્તાની બંને બાજુએ ફૂટપાથ અને પેવર બ્લોકનું કામ બાકી હોવાથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કામમાં થઈ રહેલા અસહ્ય વિલંબને કારણે રોષે ભરાયેલા સ્થાનિક વેપારીઓએ હવે તંત્ર સામે બાંયો ચડાવી છે અને ચીમકી ઉચ્ચારી છે કે જો આવતીકાલ સુધીમાં કામ શરૂ નહીં થાય તો ચક્કાજામ કરવામાં આવશે.એક મહિનાથી ખાડા ખોદીને મુકી દેવાયાસ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, સીસી રોડનું કામ પૂર્ણ થયે એક મહિનો વીતી ગયો છે. પરંતુ રસ્તાની બંને બાજુએ પેવર બ્લોક નાખવા માટે મોટી-મોટી કડ (ખાડા) ખોદીને છોડી દેવામાં આવી છે. આ કારણે ગ્રાહકો દુકાન સુધી પહોંચી શકતા નથી અને વેપારીઓનો ધંધો પડી ભાંગ્યો છે. દુકાનની અંદર જવું પણ મુશ્કેલ બની ગયું છે.ડેપ્યુટી કમિશનરની સૂચનાનો પણ અમલ નહીંવેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે અગાઉ અહીં ડેપ્યુટી કમિશનર મુલાકાતે આવ્યા હતા અને 10 દિવસમાં કામ પૂર્ણ કરવાની સૂચના આપી હતી. જોકે, આજે 17 દિવસ થવા છતાં કામગીરી ઠેરની ઠેર છે. તંત્રના વાયદાઓથી કંટાળીને આજે વેપારીઓ એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.તંત્રનું શું કહેવું છે?આ અંગે માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર કેવલભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભુગર્ભ ગટરનું કામ બાકી હોવાથી પેવર બ્લોકની કામગીરી અટકી છે. ગટરનું કામ પૂર્ણ થતા જ પેવર બ્લોક લગાવી દેવામાં આવશે. જોકે, વેપારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આવતીકાલ સુધીમાં ફૂટપાથ અને પેવર બ્લોકની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો તેઓ રસ્તા પર ઉતરીને ચક્કાજામ કરશે.