વિદ્યાર્થીનીઓને 'મા જીવદયા ગ્રુપ' દ્વારા કીટ અર્પણ કરી પ્રોત્સાહિત કરાઈમોરબી : મોરબી હંમેશા કઈક નોખું અને અનોખું કરવા માટે જાણીતું છે. શિક્ષણનગરી મોરબીમાં શાળાઓ માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નથી આપતી પરંતુ સમાજને નવો રાહ ચીંધવાનું પણ કામ કરે છે. મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાએ ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મકરસંક્રાંતિ બાદ રસ્તા પર રઝળતા જોખમી દોરાઓ એકત્ર કરી વિદ્યાર્થીનીઓએ અસંખ્ય પક્ષીઓ અને વાહનચાલકોના જીવ બચાવવાનું પુણ્યનું કામ કર્યું છે.મકરસંક્રાંતિ પર્વ પૂર્ણ થયા બાદ પણ ક્યાંક લબડતા તો ક્યાંક રસ્તા પર રઝળતા પતંગના દોરા વાહનચાલકો ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે જીવલેણ સાબિત થતા હોય છે. અનેક લોકો ગળામાં દોરા ફસાવાને કારણે ગંભીર રીતે ઘવાતા હોય છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની ૪૦૦ જેટલી વિદ્યાર્થીનીઓએ એક ભગીરથ કાર્ય ઉપાડ્યું હતું. બાળાઓએ શાળાએ આવતા-જતા અને પોતાના રહેઠાણ વિસ્તારમાંથી નકામા દોરાઓ વીણવાનું શરૂ કર્યું અને જોતજોતામાં કુલ ૬૪.૩૨૭ કિલો જેટલો જંગી જથ્થો એકત્ર કરી લીધો હતો. શાળાની નાની-નાની બાળાઓ દ્વારા એકત્ર કરાયેલા આ દોરાના જથ્થાને યોગ્ય નિકાલ માટે 'મા જીવદયા ગ્રુપ'ને અર્પણ કરવામાં આવ્યો હતો.બાળાઓમાં સેવા અને સંસ્કારનું સિંચન થાય તે હેતુથી મા જીવદયા ગ્રુપ દ્વારા આ કાર્યની ભારોભાર પ્રશંસા કરવામાં આવી હતી. પ્રોત્સાહન રૂપે, ૧ કિલોથી વધુ દોરા એકત્ર કરનાર શાળાની ૮૮ બાળાઓને ખાસ સન્માનિત કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા આ દીકરીઓને લંચબોક્સ, છાશની બોટલ અને પ્રમાણપત્ર આપીને બિરદાવવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, માધાપરવાડી કન્યા શાળામાં તુલસી પૂજન, માતૃ-પિતૃ પૂજન, અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન જેવા અનેકવિધ કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓના ભણતરની સાથે ગણતર અને ચારિત્ર્યના ચણતર પર પણ ભાર મૂકવામાં આવે છે.