અંદાજે 35 હજાર મીટર પૈકી 10 હજાર મીટર જેટલી પાઇપલાઇન નખાય ગઈ : મહાપાલિકામોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વીસીપરા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કમર કસવામાં આવી છે. મહાપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા રૂ. 9.37 કરોડના જંગી ખર્ચે નવી પાઈપલાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેનાથી વીસીપરા, અમરેલી મેઈન રોડ અને વિજયનગર વિસ્તારના રહીશોની પાણીની હાલાકીનો અંત આવશે.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા વીસીપરા વિસ્તારનો વિગતવાર સર્વે કરીને ડીપીઆર તૈયાર કરવામાં આવ્યો હતો. જેને સરકારમાંથી સૈદ્ધાંતિક મંજૂરી મળતા રૂ. 9.37 કરોડના ખર્ચે પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ભવિષ્યમાં વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને લોકોને પૂરતા પ્રેશરથી અને સમાન માત્રામાં પાણી પહોંચાડવાનો છે. આ માટે જૂની DI/PVC પાઈપલાઈન નેટવર્કને સંપૂર્ણપણે બદલીને તેના સ્થાને નવું અને મજબૂત DI-K7 નેટવર્ક સ્થાપિત કરવામાં આવી રહ્યું છે.પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ:● કુલ લંબાઈ: આ યોજના અંતર્ગત કુલ 35,311 મીટર નવી પાઈપલાઈન નાખવામાં આવશે.● કામગીરીની પ્રગતિ: અત્યાર સુધીમાં પ્રાથમિક તબક્કે અંદાજે 10,000 મીટર (10 કિ.મી.) લાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.● લાભાર્થી વિસ્તાર: આ નેટવર્કને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે - (1) વીસીપરા મેઈન રોડ, (2) અમરેલી મેઈન રોડ અને (3) વિજયનગર મેઈન રોડ.● વસ્તી : વર્ષ 2026ની અંદાજિત 20,161 જેટલી વસ્તીને આ યોજનાનો સીધો લાભ મળશે.મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના જણાવ્યા અનુસાર, હાલ આ વિસ્તારમાં કામગીરી પ્રગતિમાં છે અને નવા વાલ્વ પણ નાખવામાં આવશે. જેથી પાણીનો જથ્થો નિયમિત અને પૂરતા પ્રમાણમાં મળી રહે. આ કામગીરી પૂર્ણ થતા સમગ્ર વીસીપરા પંથકમાં પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે.